પૃષ્ઠ:Akbar.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
બાબરે કાબુલ મેળવ્યું.


તે શહેરનો બચાવ કરવા પોતાના ભાઈ નાઝીર મીરઝાને મૂક્યો–અને કાબુલ તરફ પાછો ફર્યો. સને ૧૪૦૭ ના જુલાઈ માસની આખરે પુષ્કળ લૂંટ અને કીર્તિની સાથે તે કાબુલ પહોંચ્યો.

ત્યાં પહોંચ્યો કે તરતજ તેને ખબર મળી કે શાબાનીખાંએ કંદહાર ઉપર ચડી જઈ નાઝીર મીરઝાંને ઘેરી લીધો છે. હવે શું કરવું તેમાં એ ગુંચવાયો; કારણ કે રણભૂમિ શાઈબાનીની બરોબરી કરવાની એનામાં તાકાત નહતી. પણ સ્વભાવથી યુક્તિબાજ હોવાથી તે વખત એણે ધાર્યું કે આ વખતજ કંઈક સામાં પગલાં ભરવાં એ સૌથી વધારે અસરકારક થઈ પડશે. પણ સંદેહ ફક્ત એટલોજ રહ્યો કે સમરકંદને ભયમાં નાખી શકાય એવી જગા ઉપર એટલે દક્ષાન ઉપર પગલું ભરવું કે હિંદુસ્તાન ઉપર. છેવટે તેણે હિંદ ઉપર ચડવા ઠરાવ કર્યો. તેનામાં ઠરાવ ઉપર આવવાની શક્તિ પ્રબળ બુદ્ધિ જેવીજ પ્રબળ કામ કરવાની ચંચળતા હતી. કાબુલ નદીના પ્રવાહના અનુસારેજ કુચ કરતો તે સિંધુ નદી ઉપર ચાલ્યો. તોપણ જલાલાબાદમાં થોડા દિવસ રહ્યા પછી તેણે સાંભળ્યું કે કંદહાર શહેર શાઈબાનીને વશ થયું. તેની સવારીનો હેતુ નષ્ટ થયાથી આ સમાચાર સાંભળીને તે કાબુલ ભણી પાછો ફર્યો.

આ પછીનાં સાત વરસ અગત્યના બનાવોથી ભરપૂર હતાં તોપણ તે હું ટુંકામાં પતાવી દઈશ. સને ૧૫૦૭–૧૫૧૪ સુધીમાં ઉત્તર તરફ સવારી કરીને બાબરે ફરઘાના પાછું મેળવ્યું. ઉઝ્‌બેક લોકોને હરાવ્યા, અને બોખારા અને સમરકંદ વશ કર્યાં. પણ ઉઝ્‌બેકોએ પાછા આવીને બાબરને દુળમળીક આગળ હરાવ્યો, અને આ બે શહેરોને છોડી જવાની તેને ફરજ પાડી. આને પાછા મેળવવાનો પ્રયાસ કરતાં તેને ફરીથી ઝદિવન આગળ હાર ખવરાવી અને હીસાર[૧]સુધી પાછો હાંકી કહાડ્યો. ત્યાં અગાડી જ્યારે કંઈ


  1. ૧ પૂર્વ દેશોના ઇતિહાસમાં હીસાર નામનાં બે શહેરો પ્રસિદ્ધ છે, એમાંનું એક દિલ્હીની ઉત્તરે સો માઈલ ઉપર આવેલું હિંદુસ્તાનમાં અને બીજું ઇરાનમાં અઝ્‌ર બીજાન નામના ઇલાકામાં તક્ત ઈ. સુલેમાનથી ૨૦ માઈલ ઉપર આવેલું છે. આ હીસાર તો ઓક્સસ નદીની એક શાખા ઉપર બલ્ખને ઈશાન ખુણે એકસોને ત્રીસ માઈલ ઉપર આવેલું તે છે.