એમની પછી આવનારા અકબરવાળા મોગલવંશથી આ બાબતમાં આવી રીતે જુદા હતા.
પાછળ જણાવેલી (પ્રકરણ ત્રીજું) ઉતાવળી મુલાકાત ન ગણતાં બાબરની હિંદુસ્તાન ઉપરની પહેલી સવારી સને ૧૫૧૯ માં થઈ. કેટલાક ઈતિહાસકારો કહે છે કે એજ વર્ષમાં એક બીજી સવારી પણ તે લાવ્યો હતો. પણ ઘણે ભાગે ફેરીસ્તા ખરૂં કહે છે કે આ કહેવાતી ચઢાઈ ઇસૂફઝાઈ લોકો ઉપર હતી અને તેમાં તે છેક પેશાવર સુધી આવ્યો હતો પણ તેણે સિંધુ નદી ઓળંગી ન હતી. તોપણ સને ૧૫૨૦ માં તેણે એક ત્રીજી ચઢાઈ કરી હતી, એમાં કાંઈ શક નથી. આ વખતે સિંધુ નદી ઓળંગી હાલ રાવળપિંડી જીલ્લાને નામે ઓળખાતા મુલક સુધી તે આવી પહોંચ્યો. ત્યાંથી જેલમ નદી ઓળંગી શીયાલકોટ પહોંચ્યો. પણ તે શહેરને જેમનું તેમ રહેવા દઈ સૈયદપુર ઉપર સવારી કરી અને તે શહેર લૂટ્યું. તેવામાં પોતાની રાજધાની ઉપર ઝઝુમી રહેલા એક હુમલા સ્હામી જોગવાઈ કરવાને તેને કાબુલ જવું પડ્યું.
આ ચઢાઈની નિષ્ફળતાથી બાબરને હવે સંપૂર્ણ ખાત્રી થઈ કે કંદહારનો પૂરો બંદોબસ્ત કર્યા વિના હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવામાં નિર્ભયતા યુક્ત ફતેહમંદી મળશે નહિ. આમ સમજી તેણે આ પછીનાં બે ત્રણ વર્ષ કંદહારના કીલ્લાનો અને ઘઝની અને ખોરાસાન વચ્ચેના મુલકનો પાકો બંદોબસ્ત કરવામાં ગાળ્યો. આ બંદોબસ્ત પૂરો થયો તેવામાં જ અલ્લાઉદીન લોદી અને લાહોરના દૌલતખાં તરફથી પેલાં કહેણ આવેલાં અને દૌલતખાંના કહેણે ચોથી સવારી માથે લેવાનો ઠરાવ કરાવ્યો. વળી એણે સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓ ઓળંગી અને લાહોરથી દસ માઈલ સુધીમાં આવી પહોંચ્યો. અહીંયાં તેને લોદી વંશનું લશ્કર ભેટ્યું અને ત્યાંજ તે વિજયી થયો. લાહોર પડ્યું અને એના લશ્કરને એક ઈનામ રૂપ થઈ પડ્યું. પણ તે ત્યાં ચાર જ દિવસ ટક્યો. અને આગળ વધી દીપાલપુર જઈ તે શહેર ઉપર હલ્લો કર્યો: આ ઠેકાણે તેને દૌલતખાં અને તેના પુત્રો મળ્યા. પણ આ લોકોએ મળેલા લાભથી અસંતુષ્ટ થઈ તેમના આ નવા સરદારની સામે