પૃષ્ઠ:Akbar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
અકબર.


હતું તો પણ તેને એમ ખાત્રીથી જણાયું કે બન્ને પક્ષ એકઠા થઈ એક અર્થથી મારા–નવા આવનારા–ની સામે થશે. વળી સરતખાંના તાબામાં બંગાળા, સિકંદરશાહના વંશના હાથમાં ગુજરાત અને સુલતાન હમદને સ્વાધીન માળવા, એ ત્રણે શક્તિવાન અને સ્વતંત્ર રાજ્યો હતાં. અંબલ અને બનાસ નદીના સંગમ ઉપર આવેલા “રન્થમ્બોર’ ના કિલ્લાવાળો માળવાનો મુલક કાળીસિન્દ ઉપરનું સારંગપુર, બેટવા ઉપર ભિલ્સ–જે બધાં તે વખતમાં ઘણાં પ્રખ્યાત ગણાતાં હતાં તે પેલા પ્રસિદ્ધ હિંદુ રાજા–રાણા સંગે પુનઃ પ્રાપ્ત કર્યા હતાં. દક્ષિણ હિંદુસ્તાનમાં બાહ્મણી રાજ્યો સ્થપાઈ ગયાં હતાં અને વિજયનગરનો રાજા સ્વતંત્ર સત્તા ધરાવતો હતો. તે સિવાય મુસલભાન બાદશાહોને કોઈ પણ દિવસ નહિ નમેલા એવા રાયરાણાઓ ઘણા હતા.

પણ તેને તરતજ માલુમ પડ્યું કે આ બધા કિરીટેશ્વરોનું સ્વાતંત્ર્ય એ એનું મોટામાં મોટું વિઘ્ન નહોતું. એનું વિઘ્ન તો એ હતું કે તેના પહેલા થઈ ગયેલા કોઈ પણ રાજ્યવંશોએ સમાધાન ઉપર નહિ આણેલી હિંદુ પ્રજા પ્રત્યેક નવા આવનારની વિરૂદ્ધ હતી. અર્સ્કીન લખે છે કે, ઉત્તર હિંદુસ્તાન હજી પોતાનું અસલ બંધારણ સાચવી રહ્યું હતું. ગામડાં અને પરગણાંઓની વ્યવસ્થા તથા બંદોબસ્તનો તંત્ર, તથા નાના નાના પણ ઘણા સરદારોના તાલુકાઓ એટલે સ્થાનિક રાજ્યોના તંત્ર–જેમનો તેમજ હતો. અને રાજ્ય ફેરફારની વખતે લોકો પોતાના પ્રત્યક્ષ સત્તાધારી ઉપર રાજધાનીમાં રાજ્ય કરતા રાજવીરના કરતાં વધારે લક્ષ આપતા. ટુંકામાં એક સર્વસત્તાધીશ કેન્દ્રમાંથી સર્વત્ર ફેલાતી સત્તાવાળા દૃઢબદ્ધ રાજ્યતંત્રથી અજાણ્યા હોઈને નવા કોઇ વિજેતાને અનધિકારી આગન્તુક માનવાની અને તેમના સામા થવામાં સ્વાર્થ સમજવાનીજ લોકોને ટેવ પડી હતી.

નવા વિજેતાના શીલ અને સ્વભાવથી અજ્ઞાન લોકોના મનમાં આવી રીતે ઉત્પન્ન થયેલા ભયને જુના રાજ્યને વળગી રહેનારા મુસલમાનોના કાવતરાંથી પુષ્ટિ મળી. આ લોકો એમ વિચાર કરવા લાગ્યા કે આ નવા મોઘલોનો જો વિજય થયો તો અમારો તો નાશજ થવાનો. તેથી તેમણે આ મધ્ય એશીયાના જંગલી લોકોની લૂંટફાટથી તથા કામવૃત્તિથી તમારાં