પૃષ્ઠ:Akbar.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
અકબર.


મોટું વિઘ્ન લાગ્યું તે, લશ્કરની બેદીલી, તેણે પ્રથમ હાથમાં લીધી. પોતાના ઉમરાવોની એક સભા તેણે બોલાવી અને તેમને પોતાની સ્થિતિ યથાસ્થિત બતાવી દીધી. કેટકેટલી અડચણોવાળી મજલ કાપીને અને કેટકેટલી લોહીની નીકો વેહવરાવનારી લડાઇઓ લડીને આ મોટા વિસ્તારવાળા દેશો કેવી રીતે મેળવ્યા હતા, એ બધું સંભારી આપ્યું. અને કહ્યું કે આને છોડીને પાછા ફરવું એ ખરેખર શરમની વાત છે. “મારા મિત્રમાં ગણાતા કોઈ માણસે હવે આવી દરખાસ્ત નહિ લાવવી જોઈએ. પણ તમારામાં એવો કોઈ માણસ હોય કે જે સમજી ન શકે અથવા પાછા ફરવાનું પોતાનું મન ફેરવી ન શકે એ ભલે જાય.” આ ભાષણની ધારેલી અસર થઈ અને જ્યારે બોલવાનું બંધ થયું અને નવા ભેટાઓ અને તાજા વિજયો થવા લાગ્યા, ત્યારે બેદીલીની જગાએ ઉમંગ થયો.[૧]

વીરપુરુષની દૃઢતાને એક બીજું પણ ફળ તરતજ મળ્યું. જ્યારે ત્યાંના નિવાસીઓ મુસલમાન સંસ્થાનો અને હિંદુ જમીનદારો તથા વેપારીઓ એમ સમજ્યા કે બાબર કાયમ કબજો રાખવાનું ધારે છે ત્યારે તેમની ધાસ્તી શાંત પડી. દરમિયાન તેના ઉદાર અને ઉમદા દીલની ઘણી સાબીતીઓ મળી જેથી લોકોના સમસ્ત અભિપ્રાય ઉપર ઘણી અસર થઈ. ત્યાર પછી રોજ રોજ તેના વાવટા નીચે નવાં નવાં પરગણાં આવતાં ગયાં. ખેડૂતો અને દુકાનદારો પોતપોતાને ઘેર પહોંચ્યા અને છાવણીમાં બધી વસ્તુઓની છત થઈ ગઈ. થોડોક વખત વીત્યા બાદ જુઆનપુર અને અધ્યામાં થયેલા તોફાનને શાન્ત પાડવા માટે બ્રાહીમ લોદીએ મોકલેલા લશ્કરે


  1. ❋ પોતાના એક મિત્રને હિંદુસ્તાનનો તાપ અસહ્ય લાગવાથી બાબરે તેને ઘઝનીનો સુબો બનાવી દેશ મોકલી દીધો હતો. તે મિત્ર ઉપર જ્યારે બાબરની જમાવટ થઈ ત્યારે તેણે એક કવિતા મોકલી હતી જેનું નીચે પ્રમાણે ભાષાતર થઇ શકે.
    ‘હે બાબર ! તું દયાવાન ઈશ્વરના ઔદાર્યને માટે સોસો ગણા ઉપકાર માન એણે તને સિંધ, હિંદ, અને બીજાં ઘણાં રાજ્યો આપ્યાં છે. જો તારાથી તાપ સહન ન થતો હોય અને ઠંડીની ઇચ્છા થાય તો તારે ફક્ત ઘઝનીની ઝાકળ અને ટાઢ સંભારવી.’