લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akbar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.


બાબરની આણ માની. વખતો વખત પોતાના લશ્કરને વિચારપૂર્વક વ્યવસ્થાથી કામે લગાડીને તેણે રાહીલખંડનો મોટો ભાગ જીતી લીધો. જમના નદી ઉપર આવેલા રાવેરીના અગત્યના થાણાનો કબજો કર્યો. અને ઇટાવા તથા ધોળપુરને ઘેરો ઘાલ્યો. પણ મધ્ય હિંદુસ્તાનમાં એને માટે વિઘ્નો તૈયાર થતાં હતાં, અને તે એવી દિશાએથી આવતાં હતાં કે જે વિષે બાબરથી બેદરકારી રાખી શકાય નહિ.

આ વિઘ્નો ચિતોડના રાણા રાણાસંગ તરફનાં હતાં. આ મોટા–દરેક રીતે મોટા–રાજવંશીએ પોતાના વંશપરંપરાના મુલકનો ઝાઝો ભાગ પ્રથમના મુસલમાન વીરપુરુષો પાસેથી કેવી રીતે મેળવ્યો હતો તે મેં પહેલાં વર્ણવ્યું છે. તેણે તેથી વિશેષ પણ કર્યું હતું. તેણે બકરોલ અને ચતોલીની બે મોટી લડાઈઓમાં ઈબ્રાહીમ લોદીને હરાવ્યો હતો. અને આ સિવાય બીજા સરદારો સાથે સોળ લડાઈઓમાં જીત મેળવી હતી. બાબર હિંદુસ્તાનમાં આવ્યો ત્યાર પહેલાં એણે રંથમ્ભોરનો પ્રસિદ્ધ કિલ્લો મેળવ્યો હતો. પણ તે વખતથી તે અત્યાર લગણ એ પોતાના વિજયનો વિસ્તાર વધારતો જતો હતો અને આ વખતે જે સમાચારે બાબરને બેચેન બનાવ્યો હતો તે એ હતા કે આ પ્રતાપી રજપૂત સરદારે રન્થમ્ભોરની પૂર્વે થોડાક માઇલ ઉપર આવેલા કન્ડર નામના મજબુત પહાડી કીલ્લાનો કબજો લીધો છે.

આ અને બીજાં વિઘ્નોના ઉપાયોનો નિર્ણય કરવા સારૂ બાબરે ચોમાસાના અંતના દિવસોમાં એક સભા મેળવી. આ સભામાં એવી ગાઠવણ થઈ કે એના અઢાર વર્ષની ઉમરના શાહજાદા હુમાયૂંએ[] દુઆબ,


  1. ૧ પ્રખ્યાત તવારીખના પાને ૩૦૨–૩ માં હુમાયૂંએ લખેલી નીચેની નોટ જોવામાં આવે છે. પાણીપત તરફ જતાં રસ્તામાં આવેલા સરસ્વતીના ડાબા કિનારા ઉપર શાહઆબાદ નામની જગાએ—સને ૧૫૨૬ ના માર્ચની ૬ ઠી તારીખે હુમાયૂંની દાહાડી ઉપર પહેલવહેલો અસ્ત્રો ફેરવાવવામાં આવ્યો. મારા માનવંતા પિતાજીએ પોતાની દાઢીને પહેલવહેલો અસ્ત્રો લગાવ્યાની તારીખ જણાવી છે. તેથી નમ્રતાથી તેમને અનુસરીને મેં પણ મારા સંબંધમાં બનેલી એ બીનાની યાદગીરી કાયમ રાખી છે. મને તે વખતે અઢાર વર્ષ થયાં હતાં. હવે તો મને છેતાળીસ વર્ષ થયાં છે અને હું મહમદ હુમાયૂં આ તવારીખની મારા પિતાના તેના પોતાના હાથની લખેલી નકલ, ઉપરથી મારે પોતાને હાથે નકલ કરૂં છું.