પૃષ્ઠ:Akbar.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
અકબર.


જેવા શુદ્ધ સત્ત્વના પુરૂષને હાથ આવ્યું ન હતું.

બાબર ચાર દીકરા મૂકીને મરી ગયો. પહેલો એનો ઉત્તરાધિકારી હુમાયૂં મીરઝાં, બીજો કામરાન મીરઝાં, ત્રીજો હિન્દાલ મીરઝાં અને ચોથો શ્કરી મીરઝાં. આમાંના હુમાયૂંને બાબરે મરતાં પહેલાં પોતાના પ્રધાનોની એક ખાસ બોલાવેલી સભામાં પોતાના ઉત્તરાધિકારી તરીકે ઓળખાવ્યો હતો, અને મરતી વેળાની સૂચનાઓ આપી હતી. જે વિષયો ઉપર તેણે ભાર મૂકીને કહ્યું હતું તે નીચે પ્રમાણે હતા. ઈશ્વર તથા મનુષ્ય તરફની તમારી ફરજો અંતઃકરણપૂર્વક અદા કરવી. ઈન્સાફ પ્રમાણિકપણે અને શ્રમ લઈને કરવો. ગુન્હેગારોને યોગ્ય સજા ફરમાવવી. જેઓ અજ્ઞાન અને પશ્ચાત્તાપ કરનારા હોય તેમના તરફ કુંણી નજર અને દયા રાખવી. ગરીબ અને લાચાર હોય તેમનું રક્ષણ કરવું. આ ઉપરાંત હુમાયૂંને પોતાના ભાઇઓ તરફ મહેરબાનીથી અને માયાળુપણે વર્તવાનું ખાસ ફરમાવ્યું.

આ પ્રમાણે હિંદુસ્તાનમાં મુગલ વંશનો સ્થાપનાર પ્રતાપી પુરૂષ ભરજુવાનીમાં મરણ પામ્યો. જેણે વાયવ્ય પ્રાંતો તથા આ દ્વિપકલ્પના મધ્ય ભાગના કેટલાક જીલ્લાઓનો પોતાના વંશજો માટે જીતીને, ભોગવટાના હકથી માલીક કહેવરાવવાનો હક ઉભો કર્યો. એનામાં ઘણા ઉત્તમ ગુણો હતા. પણ પોતાના હિંદુસ્તાનમાં અત્યાર સુધી જુદા રહેલા પ્રાંતોને એકઠા કરી એક સુસંબદ્ધ રાજ્ય કરવા સારૂ જોઇતી વ્યવસ્થા દાખલ કરવાનો તેને વખત કે લાગ કંઈ મળ્યું નહિ. આવો પ્રતાપી છતાં રાજ્યનું બંધારણ દૃઢ થાય એવા કાયદાઓ ઘડવાની ઊંચી બુદ્ધિ તેનામાં સારી પેઠે હતી કે નહિ તેનો શક લેવા જેવું છે. કેમકે એનાં ચિન્હો એણે કોઈ પણ ઠેકાણે જણાવ્યાં નહતાં. કાબુલ તેમજ હિંદુસ્તાનમાં તેની પૂર્વેના વીરપુરુષોની રાજ્યપદ્ધતિને તે અનુસર્યો હતો. એટલે, મેળવેલા પ્રાંતો અને પરગણાંઓ પોતાના પક્ષવાળાઓમાં વહેંચી નાંખ્યા, અને તેમને પોતપોતાના પ્રાંતોમાં મરજીમાં આવે તે રીતે રાજ્ય કરવા દેતો. મુખ્ય રાજ્ય કર્તાને અપરોક્ષ રીતે જવાબદાર રાખવાની પદ્ધતિ તેણે સ્વીકારી હતી. તેથી એમ બન્યું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે એને બાદશાહ તરીકે ગણનારા ઇલાકાઓ ફક્ત આવાજ બંધનથી