લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akbar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
અકબર


કેડ લેતાં તે હરીયાણામાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચ્યો તેજ સવારમાં તેના પિતાને થયેલા એક ભયંકર અકસ્માત્‌ની તેને ખબર મળી. એટલે આગળ વધવાનું મોકુફ રાખી બીજા સમાચારની રાહ જોવા સારૂ ક્લાનોર તરફ ચાલ્યો. તે ત્યાં પહોંચ્યો કે તરતજ હુમાયૂંના હુકમથી લખાયેલો એક પત્ર તેના હાથમાં મૂકવામાં આવ્યો, જેમાં ઉતાવળે આરામ થવાની આશા બતાવવામાં આવી હતી. પણ જરા વાર પછી બાદશાહના મૃત્યુના સમાચાર લઈ બીજો કાસદ આવ્યો. એકદમ કબરના નામનો ઢંઢેરો પીટાવરાવ્યો.

ફક્ત તેર વરસ અને ચાર મહિનાના બાળકને માટે આ પ્રસંગ કસોટીનો હતો. અલબત પંજાબ તો તેના હાથમાંજ હતું. તેના નોકરોના કબજામાં સરહિંદ અને દિલ્હી હતાં, અને આગ્રા પણ હોય તો ના ન કહેવાય. પણ એને આટલી ખબર હતી કે બે (પેલા ખોટા હકદાર ઉપર બીજી પણ જીત એણે મેળવી હતી.) વિજયથી ફુલાઈ ગયેલો હેમુ પચાસ હજાર પાયદળ અને પાંચસે હાથીના સૈન્ય સાથે આગ્રા ઉપર હમદશાહ અદેલનો અમલ ફરીથી બેસારવાના સ્પષ્ટ ઈરાદાથી આવતો હતો. વળી એના સંકટમાં બીજો ઉમેરો થયો. થોડા દિવસ પછી પોતાના પિતાએ નીમેલા કાબુલનો સુબો સ્હામો થયાના સમાચાર સાંભળ્યા.

હુમાયૂં દિલ્હીની પોતાની પુસ્તકશાળાના ધાબાની નીસરણીને પહેલે પગથીએથી પડી જવાથી મરણ પામ્યો હતો. ચાર દિવસ સુધી એનો મંદવાડ પહોંચ્યો. આમાંનો ઝાઝો ભાગ એ બેભાન દશામાં રહ્યો અને તા. ૨૪ મી જાન્યુઆરીને દિવસે સાંજે અડતાળીસ વરસની ઉમરે મરણ પામ્યો. રાજધાનીમાં રહેતા તમામ ઉમરાવોમાંથી સર્વોત્તમ ઉમરાવ, અને દિલ્હીની સુબાગિરીના અધિકારવાળા તાર્દીબેગખાંએ આ વખતે રાજ્યકાર્યની લગામ હાથમાં લીધી. પહેલવહેલું હુંશીયારીનું કામ એણે એ કર્યું કે જ્યાં સૂધી જુવાન કબરને નિર્ભયપણે રાજ્ય મળે એવી ગોઠવણ થઈ શકે ત્યાં સૂધી હુમાયૂંની વાત એણે લોકોથી છાની રાખી અને કબરને બધી હકીકત વિસ્તાર સાથે કાસદોથી જણાવી. પછી દશમી ફેબ્રુઆરીને દિવસે ઉમરાવો સાથે જુમામસીદમાં ગયો અને ત્યાં કબરના નામની બંદગી કરાવી.