પૃષ્ઠ:Akbar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
અકબર


હુમાયૂં અદૃઢ અને કાર્યકુશળતા વિનાનો હતો અને સેનાપતિ તરીકે તો તે હીસાબમાં પણ નહતો. હુમાયૂં ઉપર વિજય મેળવનાર શેરખાંને બાબરે હઠાવ્યો હત એ શક્ય છે. પણ આ ઉપરથી એટલુંજ સિદ્ધ થાય છે કે બાબરે પ્રચારેલો રસ્તો જે એને જીંદગીભર પરિચિત હતો અને જે રસ્તાથી એણે ફરઘાના અને સમરકંદમાં વારાફરતી ખોયાં તથા મેળવ્યાં; જેણે એને કાબુલ તથા થોડાં વર્ષ પછી હિંદ મેળવી આપ્યું: તેજ રસ્તો એટલે કે “બળીઆના બે ભાગ” વાળોજ રસ્તો હતો. ફરઘાના, સમરકંદ, કાબુલ, પંજાબ, કે હિંદુસ્તાન કોઈ પણ ઠેકાણે એણે ઊંડાં મૂળ નાંખ્યાં નહતાં. એનાથી ઊંડાં મૂળ નંખાઈ શકે એમજ નહતું કારણ કે એનામાં અંકુર લાવવાની શક્તિ નહતી.

અને અત્યારે સને ૧૫૫૬ ના અંત ભાગમાં એક વાર મેળવેલું અને ખોયેલું તથા વળી ફરીથી મેળવેલું રાજ્ય, ચૌદ વરસ અને એક માસની ઉમરના વિપત્તિ અને અનુભવની શાળામાં ઉછરેલા, એક કુમારના હાથમાં આવ્યું. પાણીપતે એને હિંદુસ્તાન આપ્યું હતું. નાનો હતો તોપણ એને રાજ્ય મામલાઓનો ઘણો અનુભવ થઈ ગયો હતો. એનો બાપ વારંવાર એની સલાહ લેતો. એ વખતના સર્વોત્તમ સેનાપતિ બેરામના હાથ નીચે એને વ્યાવહારિક લશ્કરી કેળવણી આપવામાં આવી હતી. છ મહીના ઉપરની મુદ્દત સુધી તેણે પંજાબમાં અમલ ચલાવ્યો હતો. પણ હવે, વિજયાર્થી તરીકે તેમજ રાજ્યકાર્યભારી તરીકે એની કસોટી નીકળવાની હતી. આ બાબતમાં એના પિતાનું દૃષ્ટાંત તેમજ બેરામનું શિક્ષણ એને કાંઈ પણ કામમાં આવે એમ નહતું. આટલે સુધી જેટલું જણાયું છે તે દરમિયાન તો તેણે સંકટને સમયે જોઈતા ત્વરિત ઠરાવ કરવાની શક્તિનાં બીજનો અને દયા ઉપર વલણવાળા સ્વભાવનો દેખાવ આપ્યો હતો. હેમુને કાપી નાંખવાની એણે ના કહી હતી, પણ એની સમક્ષ હવે જે કામ પડ્યું હતું તેને માટે બીજા ગુણોની જરૂર હતી. હવેનાં એનાં કામોથી પડતા પ્રકાશથી આ કામને માટે એનામાં શું શું ગુણો હતા તે આપણે હવે તપાસીએ.