પૃષ્ઠ:Akbar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
અકબર


અનાદિકાળથી ચાલ્યા આવેલા હક અને અધિકાર પ્રમાણે વર્તવામાં લોકોને અભય વચન આપનાર તરીકે લેખે; કોઈ ખરો વીરપુરૂષ તે ગમે તે જાતનો હો, કે ગમે તે પ્રજાની વ્યક્તિ હો–તોપણ પોતાના હાથ નીચે સરદારી કરવાને હકદાર છે, એવું પ્રતિપાદન કરનાર તરીકે અને સર્વ વર્ણો માટે સમાન કાયદા અને સમાન ઈન્સાફ રાખનાર તરીકે લોકો એને ગણે; અને એના તરફ એવી વૃત્તિ રાખવામાં સર્વે લોકો એક થાય: એ કેવી રીતે સિદ્ધ કરવું, તે માટે કેવી રીતે વર્તવું તે એના મનની વિચાર્ય વસ્તુ હતી. જેમ જેમ તેનું મન પાકું થતું ગયું તેમ તેમ એનાં ધોરણો આવાં થતાં ગયાં. ધર્માંધ મુસલમાન લેખકોએ એના ઉપર એની હયાતીમાં જ તેમ જ પાછળથી પણ એવો દોષ મૂક્યો છે કે સર્વ શક્તિમાન પરમ પુરુષના ગુણોનું પોતામાં અસ્તિત્વ માનવાનું તે અભિમાન રાખતો. આ અપરાધ એક જ અર્થમાં ખરો છે કે–જે દેશમાં અને જે કાળમાં ‘બળીયાના બે ભાગ’ એજ કાયદો ખરો મનાય, તે દેશમાં, તે કાળે, તે, હિંદુસ્તાનના લોકોમાં ઐક્ય, પરમતસહિષ્ણુતા, ઈન્સાફ, અનુકમ્પા, અને સમાન હક દાખલ કરવા સારૂ ઇશ્વરી સત્તાનો આ દુનીયામાંના પ્રતિનિધિને રૂપે, ઈશ્વરનો પેગમ્બર હોય તેવી રીતે વર્ત્યો હતો.

આખા હિંદને એક રાજદંડની સત્તામાં લાવવાનું અને જે જે જૂદી જૂદી કોમોને પોતાના તંત્રમાં લાવવાની એની ઈચ્છા હતી તે તે કોમોને પોતાના પક્ષમાં લઈ લઈને આ કાર્ય ઘણે ભાગે સાધવાનો એનો પ્રથમ હેતુ હતો. તેના માર્ગની યથાર્થ સમજણ પડે તે સારૂ આ વિષયનું અંતરંગ અને બહિરંગ બન્ને દર્શન કરાવવું એ વધારે યોગ્ય ધાર્યું છે. તેથી આ પ્રકરણમાં તે વખતે હિંદનાં જુદાં જુદાં રાજ્યોને એક શાસન તળે લાવવાના એક પછી એક કરેલા પ્રયત્નોનો ઇતિહાસ હું પહેલા આપીશ. આગળનું પ્રકરણ આ વિષયના અંતરંગ સાથે ખાસ સંબંધ ધરાવશે.

આવા ગ્રંથમાં કબરની હિંદુસ્તાન વિષેની બધી જીતોને વિસ્તારથી વર્ણવવી એ કંટાળા ભર્યું થઈ પડે તેથી નીચે પ્રમાણે ટુંકામાં લખવું જ બસ થશે.