પૃષ્ઠ:Akbar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
અકબર


અને ત્યાંથી પણ આગળ ચાલતો હતો તેવામાં કોઈ એક હાજી–જે યુરોપ પણ જઈ આવ્યો હતો તે બાદશાહને જોવાને માટે કેટલોક સુંદર સામાન અને ઝીણું કાપડ સાથે લાવ્યો હતો. ઈતિહાસકારો માત્ર આટલુંજ લખે છે અને યુરોપના કયા ભાગમાંથી એ વસ્તુઓ આવી તથા તેથી બાદશાહના મન ઉપર શી છાપ પડી તે આપણી કલ્પના ઉપરજ રાખી છે. કબર પંજાબમાં બહુજ થોડો વખત રહી દિલ્હી પાછો ફર્યો, પછી અજમેરની વાર્ષિક મુલાકાત લીધી અને ત્યાં ફક્ત એકજ રાત રહીને માત્ર નવ માણસના રસલા સાથે ઘોડા ઉપર એક દિવસના સો માઈલ લેખે મુસાફરી કરતો ત્રીજા દિવસની રાત્રે ફતેહપુર સીક્રી પહોંચ્યો.

વળતું વરસ સને ૧૫૮૦ નું, તે આટલા માટે જાણવા લાયક છે કે તે વર્ષમાં કબરનું રાજ્ય અપૂર્વ આબાદી પામ્યું. બંગાળા શાન્ત પડ્યું એટલું જ નહિ પણ બાદશાહી તીજોરીમાં પૈસા મોકલવા માંડ્યા. મેવાડના બાદશાહની પાછળ બાદશાહી લશ્કર હજી પડેલુંજ હતુ પણ હિંદના બીજા કોઈ પણ ભાગમાં ખાંડાંનો ખખડાટ સંભળાતો ન હતો.

પોતાની મુસાફરીમાં કબરે એક વાત ધ્યાનમાં રાખી હતી કે જૂદા જુદા પ્રાન્તોની સરહદ ઉપર લેવાતી જકાત જ્યાં સુધી તે સહુ ઉપર જૂદા જૂદા રાજાઓ રાજ્ય કરતા હતા ત્યાં સુધી તે વાજબી હતી પણ હવે જ્યારે બધા પ્રાન્તો એકતંત્ર નીચે આવ્યા તે પછે એ જકાતની અસર પૂર્વની ભિન્નતા કાયમ રાખવાની જ રહી. તે ઉપરથી ૧૫૮૧ માં તેણે આવી જકાત પોતાના રાજ્યમાંથી કહાડી નાંખી. એજ હુકમથી જજીઆ વેરો–જે મહમદને ધર્મ નહિ માનનારી તમામ પ્રજા ઉપર અફઘાન બાદશાહે નાંખ્યો હતો તે રદ કર્યો. આ બાદશાહનો ઉમદા વિચાર હતો કે વિચારમાં સર્વે સ્વતંત્ર જોઇએ. પોતાની પ્રજામાંની દરેક વ્યક્તિ પોતપોતાની રીતિ મુજબ અને પોતપોતાની શ્રદ્ધા મુજબ ઈશ્વરોપાસના સુખેથી કરે. પોતાના દેહાન્ત સુધી તેણે આ ધારણાનો અમલ કર્યો. આ વર્ષની સર્વથી વધારે અગત્યની રાજકીય બીના એ હતી કે બંગાળાના કેટલાક બેદીલ ઉમરાવોએ બળવો કર્યો પણ બહુ એકદીલીથી કામ નહિ લીધેલું તેથી તેઓને હાર ખાઈ વિખરાઇ જવું પડ્યું.