પૃષ્ઠ:Akhegita.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રમે રમાડે આપ માયા, નીચો ઊંચો લઇ ચડે;
જેમ મર્કટ હીંડે માગતો, પેલા ભિક્ષુક કેડે રડવડેં, ૮

એમ ભમે બહુ ભવ વિષે, પણ ભેદ કોયે લહે નહીં;
દોરિ સંચારો માંહિ માયાતણો, ભૂલવણ મોટી એ સહી. ૯

કહે અખો સહુકો સુણો, તમે જુઓ અંતરના તંતને[૧];
એ જાળમાંહેથી તોજ નીસરો, જો સેવો હરિ-ગુરુસંતને. ૧૦


કડવું ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ

રાગ ધન્યાશ્રી

માયા મોટી જગમાંહે નટીજી[૨],
તે આગળ કોઇન શકે ખટીજી[૩];
હરિહર અજથી આગલ વટીજી[૪],
સમઝી ન જાયે એવી માયા અટપટીજી. ૧

પૂર્વછાયા

સમઝી ન જાયે એવી માયા, દીસે નહી ને બલવતી;
ચૌદ લોકની આદિ માતા,ૐકારથી પહેલી હતી. ૧

ત્રિગુણ પહેલી શૂન્ય-સ્વામિની[૫], તેણેં ગુણ જનમી ઉભા કર્યા;
પછે જનની થૈ યોષિતા[૬], બલ પોષિ પોતે વર્યા. ૨

ચિદ્દ્‍શક્તિ[૭] ચતુરા ચરાચર, ગુણસાથે ભજે વલી;
દેવ દાનવ નાગ માનવ, રમે રમાડે એકલી. ૩

ઉર્ણનાભ[૮] જેમ ઊર્ણા[૯] મૂકી, તે મૂકીને પાછી ભખે;
તેમ માયા ચિદ્દ્‍શક્તિ માટે. મોહોટું સામર્થ્ય એ વિષે. ૪


  1. તત્‍ત્વને
  2. નાચ કરનારી
  3. જય પામી શકે
  4. ગઇ છે
  5. માયા
  6. સ્ત્રી
  7. ચૈતન્યની શક્તિ
  8. કરોળીઓ
  9. લાળ