પૃષ્ઠ:Akhegita.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરબ્રહ્મ વિના નહિ ઠામ ઠાલું, એમ દેખે ભરપૂર,
જિહાં તિહાં દેખે હરિ ભાઇ, જેનાં પડળ[૧] થયાં દૂર. ૯

કહે અખો સહુકો સુણો, ભક્તિ આવીને જંતને;
એવા શુધ્ધ ભજનનેં પામવા, તમે સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ

રાગ ધન્યાશ્રી

વળી વળી કહું છું ભક્તિ વિશેષજી, જેહ ન દેખે હરિવિના શેષજી,
પેખે સઘળા હરિના વેષજી, તે જન ન કરે કેહેનો ઉવેખજી. ૧

પૂર્વછાયા

ઉવેખ ન કરે કોયનો, આત્મા વિલસી રહ્યો,
જેહને શ્રીભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો. ૧

ભાઇ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે;
સ્વામી માહરો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે. ૨

ભુવન ત્રણ્યમાં રહ્યો પૂરી, પૂરણ સ્વે[૨] પરમાતમા;
પોતે તો પીયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં[૩]. ૩

માહરો રામ રમે છે સર્વવિષે, એમ હેતે હીસે[૪] મન;
હરિ કહે એ સાંભલે હરિ, હરિને સોંપે તન. ૪

નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર;
જિહાં તેવો તિહાં તેહવો, નારાયણ નર નાર. ૫

ગદગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
હર્ષ આંશુ બહુ હેત હૃદય, પ્રેમકેરૂં તે પાત્ર. ૬

ખાતો પીતો બોલતો, દેખતો તે સઘળે રામ;


  1. અજ્ઞાનરૂપ પડદો.
  2. પોતે
  3. નામરૂપમાં
  4. પ્રસન્ન થાય