પૃષ્ઠ:Akhegita.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ

રાગ ધન્યાશ્રી

ૐ નમો ત્રિગુણપતિ રાયજી, સર્વે પહેલા જે પૂજાયજી;
અગમગોચર જેને શ્રુતિ ગાયજી, ચરણચિંતવીહું પાય લાગું પાયજી.

પૂર્વછાયા

ચરણ ચિંતવીને સ્તુતિ કરૂં, ચિદ્‍શક્તિ બ્રહ્માનંદની;
અણછતો અખો અધ્યારોપ કરે, તે કથા નિજાનંદની. ૧

ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ, નામ યુગલ રૂપ એક;
તેને સ્તવું નીચો નમીને, કરૂં બુધ્ધિમાન[૧] વિવેક. ૨

પરાત્પર પરબ્ર્હ્મ જે, તે મન-વાણીને અગમ્ય;
તેઓ લક્ષ આપી શકે, તે માટે ગુરુ તે બ્રહ્મ. ૩

શ્વાન[૨] શૂકર[૩] બિડાલ ખર, તેના ટોળાનો જે જેંત;
તેને મૂકે હરિ કરી, જેને મળે સદ્‍ગુરુ સંત. ૪


  1. મારી બુધ્ધિ પ્રમાણે
  2. કૂતરું
  3. ભુંડ