પૃષ્ઠ:Akhegita.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ

રાગ ધન્યાશ્રી

હવે કહું મોટો પરબ્રહ્મ ભેદજી, જેણે કરી હોય દ્વૈતનો ઉચ્છેદજી;
જેને કહે અગમ અગોચર વેદજી, તે પદ જાણો સ્વસંવેદજી. ૧

પૂર્વછાયા

સ્વસંવેદ તે પદ સદા, આપેં લહે તે આપને;
જેમ ધુંધવાતો અગ્નિ અચાનક, થાય શિખા તેજ તાપને. ૧

વને જોત્ય જ્વાળા અતિઘણી, દીસે જાજુલ્યમાન[૧];
ફટકીને[૨] થયો ફરફરો [૩], તેણે કાઢ્યું રૂપ નિદાન [૪]

પરબ્રહ્મ વહનિ એમ જાણો, ઘટઘટ[૫] રહ્યો સમાય;
જેમ છે કાષ્ટ પાષાણમાંય, તે દેહસાથે થ્યો જાય [૬]. ૩

ધુંધતો[૭] ધોખે[૮] ભર્યો, તે શૂન્યવાદીનો વાદ;
ધૂમ્ર ભર્યો અતિ ધૂખલો, તે ચાલ્યો જાય અનાદ્ય. ૪


  1. પ્રકાશમાન
  2. તડ તડ કરીને
  3. વધારે ફેલાવાવાળો
  4. અંતે.
  5. શરીર શરીરમાં
  6. જેમ લાકડામાં ને પથ્થરમાં તેની ઉત્પત્તિ સાથે અગ્નિ ઉપજેલો જણાય છે.
  7. ધુંધવાતો
  8. ક્લેશે