પૃષ્ઠ:Akhegita.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુગતે[૧] જગતના દોષ દેખે, પોતાપ્રતે[૨] તે વસે;
અજ્ઞાનને તે જ્ઞાન માને, ઈંદ્રિના સુખને ધસે[૩]. ૩

ક્યારે કહે એ આતમા, ક્યારે કહે એ શૂન્ય છે;
ક્યારે એ જગત સાચું, ક્યારે કહે એ મુન્ય[૪] છે. ૪

વાદ કરે એ તે સહુજ સાથે, નિંદે પણ લક્ષ નવ લહે;
બ્રહ્મવિદ્યાનો ભેદ ન જાણે,વેદ વિટલ[૫] તેહને કહે. ૫

નાસ્તિ[૬] કહે નારાયણને, પણ પ્રપંચ [૭] ન છુટે મનથી;
સંસારનાં સુખ અતિ વલ્લભ[૮], મન ગયું પાપપુન્યથી. ૬

નમે નહિ મહાપુરૂષને, દોષ દીએ છે અણછતાં [૯];
અજ્ઞાનને આગળ કરિને, પ્રબોધે પોતે હુંતા [૧૦]. ૭

આચાર્ય થઇને અન્યને, વાત કહે તે નાસ્ત્યની[૧૧];
ભાવભરોસો નહીં જ દેહનો, જુગત ન સમઝે આસ્ત્યની[૧૨]. ૮

અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણ, તે શૂન્યવાદી પૂરા નહી;
ખરા શૂન્યવાદી તેહને કહીએ, વસ્તુવિશ્વ બે ન કરે સહી [૧૩]. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજે સુખ બહુ જંતને;
સમી સમજણ તેહ સમજે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ

રાગ ધન્યાશ્રી

વળી કહું આઘો અનુભવ જેહજી, જેજે સમજ્યા પુરૂષવિદેહજી;
કોઇક જાણે મર્મ તો એહજી, જે જઇ નીસરે શૂન્ય છેહજી. [૧૪]


  1. યુક્તિથી.
  2. પોતાનામાં.
  3. દોડે.
  4. ન કહી શકાય એવું.
  5. ઠગ.
  6. નથી.
  7. જગત.
  8. વહાલાં.
  9. ન હોય એવા
  10. હું પણા વડે.
  11. નાસ્તિકની
  12. આસ્તિકની
  13. સત્ય.
  14. છેડે