પૃષ્ઠ:Akhegita.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
અખાની વાણી
પૂર્વછાયા

પ્રકૃતિ ભાન ટળ્યું ત્યાંથી, યથારથ જેમ તેમ થયું;
હવે કહું દરશણ ખટ જે, અપૂરવ અમથું રહ્યું. ૧

ન્યાય પાતંજલ મીમાંસા, વૈશેષિક સાંખ્ય વેદાંત;
દરશન ઉપદરશન ભેદ દીધા, તે જાણજો તમે સંત. ૨

શૈવ સાંખ્ય મીમાંસક, ચાર્વાક બૌધ્ધ જે જૈન;
એ ઉપદરશન ભેદને જાણો, શરીરસંબંધી ચિહ્‍ન. ૩

જટિલ મુંડિત માલાધારી,કરે લુચન[૧]. કેશ;
કો વાલગરડાં[૨] શિશ વીંટે, કંઠે લિંગ શિવઉપદેશ. ૪

છ દરશન તે મૂલગાં, ભાઇ શાત્રકેરાં નામ;
તેહનાં થયાં પાખંડ છનું,તે ચાલ્યાં ગામેગામ. ૫

પાખંડનાં બહું ફડસુઆં,[૩] અણાતાં તે નાવે છેક[૪];
તે મત ભાખે જુજવા[૫], પણ ચાલ્ય ન મળે એક. ૬

એક એક નિંદે એ માંહોમાંહે, અને પોતાને કહે સાર[૬];
એમ ખટદરશન ખટપટે, પણ ન કરે મૂલવિચાર[૭]

ભણી ભણીને ભેદ પાડે, અક્ષરતણી લે ઓટ[૮];
સિધ્ધાન્ત નાવે સમજમાંહે, બાધી રહ્યા ખટકોટ[૯]

છએ કરે વાદ માંહોમાંહે, તુઆરે સહુને પોષે માય[૧૦];
સમાય માયા આપે સરખો, હાર્યો કોએ ન જાય. ૯

કહે અખો સહુકો સુણો, મત ન હોયે મહંતને;
નિરદાવે [૧૧] નારાયણ મળશે, જો સેવો હર-ગુરુ-સંતને. ૧૦


  1. ચૂંટવાની ક્રિયા
  2. બકરાના વાળની દોરી.
  3. પેઢાં.
  4. પાર.
  5. જૂદા જૂદા.
  6. શ્રેષ્ઠ
  7. મૂળ-કારણ-નો વિચાર.
  8. આધાર.
  9. છ ગઢ.
  10. માયા
  11. પક્ષપાત વિના