પૃષ્ઠ:Akhegita.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૩૦ મું - શ્રુતિ-સ્મૃતિ-પુરાણ-શાસ્ત્ર


રાગ ધન્યાશ્રી

શ્રતિસ્મૃતિ તે એમ વખાણેજી, જીવને જીવનાં કર્મ પ્રમાણેજી[૧];
કર્મ અનુસારે જીવને જાણેજી, એહવું સિધ્ધાંત અઢારે પુરાણ.


પૂર્વછાયા

સિધ્ધાંત કીધો વેદપુરાણે, કર્મને વળી જીવનો;
કહે કર્મ ને જીવ ચાલ્યા જાય, એ ઠાઠ છે સદૈવનો[૨]. ૧

જથો પરઠી ચાલે આઘા, કર્મને જાડાં કરે;
કર્મ ત્યાં તો જીવ સાચો, એમ જગત જ પરવરે[૩]. ૨

વેદે થાપ્યો જીવ સાચો, સ્મૃત્યે પિંડ પરઠ્યો ખરો;
કર્મધર્મ આચરણ લખિયાં, પ્રોઢો[૪] પ્રપંચ પરવાર્યો. ૩

પણ આદ્ય[૫] ન કાઢી જીવની, જે પ્રાય[૬] જંત શ્યાંનો ઘડ્યો?
નિયંતા[૭] કોણ ને નિમિત્ત[૮] શાથી, એવડો ખેલ[૯] કરવો પડ્યો? ૪

એ પરંપાર કોએ નવ જુએ, અને જુએ તે જંત નવ રહે;
જેમ વાયે વાંસ ઘસાય માંહોમાંહે, વહનિ વન આખું દહે. ૫

નૈયાયિકનો ન્યાય સાચો, તે ન્યાય જીવે પરઠ ખરો;
તે કૃત્યજ દેખી જીવ દેખે, તે દીઠા માટે ઉચર્યો. ૬

દેખે તેતાં કહે ખરૂં, ન્યાયવાદી નામ -એહનું;
હવે પાતંજલી તે પ્રાણ સાધે, કૃત્ય માને દેહનું. ૭

દેહપ્રાણને કહે સાચા, કહે જીવવિના દેહ કેમ રહે?
પિંડ દેખી જીવ પરઠે, પાતંજલી તો એમ કહે. ૮


  1. નક્કી કરે
  2. અનાદિ કાળનો.
  3. આગળ ચાલે છે.
  4. મોટો
  5. મૂળ
  6. વસ્તુતાએ
  7. નિયમમાં રાખનાર
  8. કારણ.
  9. મોટો પ્રયત્નો