પૃષ્ઠ:Akhegita.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાઇ આદરવિણ[૧] આવે નહીં, સ્વેં[૨] આત્માનું જ્ઞાન;
સંતને સેવી કામ સાધો, સુખે પામો નિજધામ[૩]. ૪

સંત-સંગ કીધાવિના, જેહવો વનનો હોય પશુ;
ઉપજે ખપે તે વનનો વનમાં, તેહને વસ્તીનું નહિ સુખ કશું. ૫

સંત-સંગે સર્વ સમજે, પશુ ટળી થાય પાત્ર;
સંત કૃપાદૃષ્ટિ કર તો, નવપલ્લવ થાય ગાત્ર. ૬

કામ ક્રોધ લોભ મોહ તાપે, બળી રહ્યું જે મન;
તે જીવને ટાઢો થવાને, સંત તે પરજન્ય[૪]

મમતા ઘાણીએ જોતર્યા, જીવ ચઢ્યા કાળને હાથ;
તેહને સંત કૃપાદૃષ્ટિ કરીને, કાપી મૂકે નાથ. ૮

જેમ કેસરીકેરા[૫] ગંધથી, ભાઇ કરી[૬] પલાયે કોડ[૭];
તેમ સંતકેરા શબ્દ સુણતાં, બંધન જાય બહુ મોડ[૮]

કહે અખો એ ઠામ મહોટો, ઠરવાનો છે જંતને;
ઠરી જીવ ત્યારે ઠામ બેસે, જ્યારે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. સત્કાર વિના.
  2. પોતાના.
  3. પોતાનું સ્વરૂપ.
  4. વરસાદ.
  5. સિંહના.
  6. હાથી
  7. કરોડ.
  8. નાશ પામીને.