પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૫

મહાત્મા ગાંધીજીની પ્રતિજ્ઞાનો હેતુ ને અર્થ સમજવાની જરૂર છે. પહેલી વાત યાદ રાખવાની એ છે કે તેમનું વ્રત માલિકોની ઉપર અસર ઉપજાવવા સારૂ નથી લેવાયું. જો તે હેતુથી લેવાય તો લડતને ધક્કો પહોંચે અને આપણી નામોશી થાય. માલિકોની પાસેથી આપણે દાદ–ઇનસાફ માગીએ છીએ. તેની કેવળ દયા નથી માગતા. વળી જેટલે દરજ્જે દયા માગીએ છીએ, તે દયા મજુરો ઉપર ભલે થાય. મજુરોની ઉપર દયા કરવી એ તેઓની ફરજ છે એમ આપણે માનીએ. પણ મહાત્મા ગાંધીજી ઉપર દયા કરીને આપણે ૩૫ ટકા લઇએ તો આપણી હાંસી જ થાય અને તે મજુરોથી સ્વીકારાય નહિ. ગાંધીજી જો માલિકોની સાથેના અથવા તો જનસમાજની સાથેના પોતાના સંબંધનો આવો ઉપયોગ કરે તો પોતાની સ્થિતિનો તે ગેરઉપયોગ થયો ગણાય, ગાંધીજીની પ્રતિષ્ઠા જાય. ગાંધીજીના ઉપવાસનો મજુરોના પગારની સાથે શો સંબધ હોઇ શકે ? પચાસ માણસ માલિકોને ઘેર લાંધે તેથી માલિકો મજુરોને ૩૫ ટકાનો હક ન હોય તો કેમ આપે ? જો આમ હકો મેળવવાની પ્રથા પડે તો જનસમાજ ચલાવવો લગભગ અશક્ય થઇ પડે. આ ગાંધીજીના ઉપવાસની ઉપર માલિકો ધ્યાન દઇ ન શકે અને તેઓએ ધ્યાન દેવું ન જોઇએ. છતાં ગાંધીજીએ કરેલા આવા કાર્યની અસર માલિકો ઉપર નહિ જ થાય એ બનવું અશક્ય છે.