પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
 


બોલવાનું નહિ, પણ કરી બતાવવાનું છે એવી આપણી ખાતરી થઈ ગઈ છે. સ્થિતિમાં થયેલા આ ફેરફારના પુરાવા તરીકે તંગીમાં આવી પડેલા ભાઇઓએ ખુશીથી મજુરી કરવાનું કર્યું છે, એટલું જ નહિ પરંતુ જેમની સ્થિતિ સારી છે તેઓએ બીજા ભાઇઆને પોતાનો દાખલો બેસાડીને તથા પોતાની મજુરીમાંથી આવતા પૈસાથી બીજાને મદદ આપીને, આપણામાં ફુટ પડવાનો સંભવ હમેશ માટે દૂર કર્યો છે. પરંતુ એ બસ નથી. મહાત્મા ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાથી આપણે માથે ભારે જવાબદારી આવી પડી છે, અને એ જવાબદારી આપણે પૂરેપૂરી સમજતા હોઇએ તો આ લડતનો બને તેટલો જલદીથી અંત આણવાનો જીવતોડ પ્રયત્ન કરવો જોઇએ; અને જે જે ઉપાયોથી આપણી ટેક જાળવી લડત ટુંકી કરી શકાય તે તે ઉપાયો તરત જ લેવા જોઇએ. આપણી ટેક ૩૫ ટકા લેવાની છે. અને આપણે જાણીએ છીએ કે એ ૩૫ ટકા આપવાનું આર્થિક દૃષ્ટિએ શેઠીયાઓને માટે મુશ્કેલ નથી. પરંતુ એ ૩૫ ટકા આપતાં તેમને એવો ભય લાગે છે કે મજુરોનું ચઢી વાગશે, તેઆ ઉદ્ધત થઇ જશે, જરાજરામાં બ્હાનાં કાઢી રીસાશે, અને સ્હેજ બાબતમાં હડતાલ પાડી ઉદ્યોગનો નાશ કરશે. આ ભયને માટે મને તો કારણ જણાતું નથી. જે ઉદ્યોગમાંથી મજુરોને રોજી મળે તે ન્યાય અન્યાયનો વિચાર કર્યા વિના મર્યાદા મુકી વર્તે તો ઉપર કહેલું અનિષ્ટ પરિણામ આવ્યા વિના રહે જ નહિ. એ પરિણામમાંથી આપણે બચવા ઈચ્છતા હોઇએ તો