પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨


૫. પંચ ઠરાવે તે ટકા પ્રમાણે ૨૭ાા ટકા ઉપર વધઘટ લેવી દેવી. એટલે કે જો ૨૭ાાથી વધારે ટકા પંચ ઠરાવે તો માલિકો તે વધારો મજરે આપે, અને જો ૨૭ાા થી ઓછા ઠરાવે તો તેટલા મજુરો મજરે આપે.

આમાં બે તત્ત્વનો નિશ્ચય થયો. એક તો મજુરોની ટેક રહી અને બીજું બન્ને પક્ષ વચ્ચે કંઇ મહત્ત્વની તકરાર થાય તો તેનો નિર્ણય હડતાલ પાડીને ન કરવો પણ પંચ મરફતે. આગળ ઉપર બન્ને પક્ષ પોતા વચ્ચેની તકરારનો નીવેડો પંચથી જ કરશે એવી સમાધાનીની શરત નથી. પણ સમાધાનીમાં પંચનો સ્વીકાર થયો એટલે માની લેવાય કે બીજી વેળાએ પણ એવે અવસરે ૫ંચ નીમાશે. સાધારણ નજીવી બાબતમાં પંચ નીમાશે એમ માનવાનું નથી. માલિકો અને મજુરો વચ્ચે મતભેદ થાય તેમાં હમેશાં ત્રીજો પક્ષ વચ્ચે આવે એ બન્નેને શરમાવનારૂં ગણાય. માલિકોથી તો તે સહન થાય જ નહિ. એવી શરત નીચે માલિકો ધંધો ન કરે. લક્ષ્મીને હમેશાં જગત્ માન આપતું આવ્યું છે. અને લક્ષ્મી હમેશાં માન લેશે. એટલે મજુરો નજીવી બાબતમાં માલિકોને કનડે તો તેઓનો સંબંધ તુટે. એવી કનડગત મજુરો નહિ જ કરે. એવું અમે માનીએ છીએ. અમારે એમ પણ કહેવાની જરૂર છે કે મજુરોએ કદિ વગરવિચારે હડતાલ નહિ પાડવી. અને અમને પૂછ્યા વિના હડતાલ પાડે તો અમારાથી મદદ ન દઇ શકાય. એવી શંકા થઈ છે કે એક દહાડો ૩૫ ટકા લઇને બેઠા તે કંઇ ટેક રહી ગણાય ? એ તો બાળકોની બગામણી-પટામણી થઈ.