પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩


કેટલીક સમાધાનીઓમાં આવી બગામણી થઇ છે. અહીં તેવું નથી થયું. અમે જાણીબુજીને, અવસર સમજીને એક જ દહાડાના ૩૫ ટકા સ્વીકાર્યા છે. અમે ૩૫ ટકા વિના કામે નહિ ચડીએ એના બે અર્થ થાય. અમે હમેશાં ૩૫ ટકાથી ઓછો વધારો કબૂલ નહિ કરીયે એ એક અર્થ,–અમે ૩૫ ટકાથી કામે ચઢીએ ને તે એક જ દહાડો મળે તો બસ છે એ બીજો અર્થ. જેણે નિશ્ચય કર્યો હોય કે ૩૫ ટકા હંમેશને સારૂ માગવા એ શુદ્ધ ન્યાય છે અને તેટલા ટકા મેળવવા સારૂ પોતામાં અખૂટ શૂરાતન છે તે તો ૩૫ ટકા હમેશને સારૂ મળે તો જ તેની ટેક રહી માને. પણ આવો આપણો નિશ્ચય ન હતો. આપણે પંચથી ન્યાય લેવા હમેશાં તૈયાર હતા. આપણે ૩૫ ટકા એકપક્ષી વિચારથી ઠરાવેલા. ૩૫ ટકાની સલાહ અમે આપી તે પહેલાં અમે માલિકોનો પક્ષ તેમની પાસેથી જ સાંભળવા માગતા હતા. દુર્ભાગ્યે તેમ ન બન્યું. એટલે અમે તો બને તેટલો તેમનો પક્ષ તપાસી ૩૫ ટકાની સલાહ આપી. પણ અમે ઠરાવેલા ૩૫ ટકા સાચા જ એમ અમે ન કહી શકીએ. અમે કદિ તેવું નથી કહ્યું. અમારી ભૂલ જો માલિકો બતાવે તો જરૂર ઓછા ટકા લેવાની સલાહ આપીએ. એટલે પંચને ઓછા ટકા બરોબર લાગે ને તેટલા આપણે કબૂલ રાખીએ તો તેમાં આપણી ટેક જરાપણ તૂટતી નથી. આપણે પંચનું તત્ત્વ હમેશાં સ્વીકાર્યું છે. અમારી આશા છે કે અમે ૩૫ ટકા ઠરાવવામાં ભૂલ નથી કરી એટલે તેટલા મળશે એમ ધારીએ છીએ. પણ આપણને ભૂલ માલમ પડે તો આપણે ઓછા ટકા ખુશીથી લઇએ.