પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કરવા લાગ્યા. પ્લેગ બોનસને બદલે મોંઘવારીનો વધારો ઓછામાં ઓછા ૫૦ ટકા મળવો જોઈએ એવી તેઓ માગણી કરતા હતા. મહાત્માજી અમદાવાદમાં આવી મુખ્ય મુખ્ય મીલએજંટો સાથે મસલત ચલાવવા લાગ્યા. તેઓ પણ નિવેડો આણવાની ઇંતેજારી બતાવવા લાગ્યા. અત્યાર સુધી મહાત્માજીએ એ બાબતમાં પ્રત્યક્ષ રીતે પડવાનો નિશ્ચય નહોતો કર્યો. પણ સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડતી હતી. સઘળી વાત સરકારને કાને પણ પહોંચી હતી, અને તા. ૧૧ મીએ અમદાવાદના દિલસોઝ કલેક્ટર સાહેબે મહાત્માજીને નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો:

“બોનસના પ્રશ્ન સંબંધે મીલમાલિકો અને મીલમજુરો વચ્ચે બહુ ગંભીર સ્થિતિ ઉત્પન્ન થવાની વકી છે. અને મીલમાલિકો મીલો બંધ કરી દેવાની ધમકી આપે છે, જેથી બહુ તકલીફ અને દુઃખ થવાનો સંભવ છે. તેથી ખરી વસ્તુસ્થિતિ સમજવા હું અતિશય ઇંતેજાર છું. મને ખબર મળી છે કે મીલમાલિકો જો કોઈની સલાહ સાંભળે તો માત્ર તે આપની જ સાંભળે એમ છે; અને વળી તેમના તરફ ઘણે અંશે આપને દિલસોઝી છે, તથા તેમનો પક્ષ આપ જ મને બરાબર સમજાવી શકો એમ છો. કાલે મને એકાદ કલાક આપવાની અનુકૂળતા કરી શકો તો હું આપનો બહુ આભારી થઈશ.”

મહાત્માજી કલેક્ટરને મળ્યા, મજુરોને મળ્યા, મીલએજંટોને મળ્યા, અને મસલત ચલાવી. આખરે બંને પક્ષે પંચ મારફતે નિવેડો લાવવાનું