પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સ્થિતિ અટકાવવાના મહાત્માજીના પ્રયત્નો અથાગ હતા. પણ મીલમાલિકો તો મજુરોએ કરેલી ભૂલને વળગી રહ્યા અને એકના બે થવાની સાફ ના પાડી.

એ પછી મહાત્માજી મજુરોને ખૂબ મળવા લાગ્યા. બ્હેન અનસૂયા, ભાઈ શંકરલાલ બૅંકર અને મીલમજુરોની સ્થિતિ તથા પગાર સંબંધી માહીતી ધરાવનારા બીજા ગૃહસ્થોની સાથે મસલત ચલાવી. અહીંના મજુરાને શું મળે છે. મુંબઈના મજુરોને શું મળે છે, મજુરોની કેટલી માગણી છે, મીલમાલિકોની સ્થિતિ શી છે, તેઓને શું કમિશન લડાઈ પહેલાં મળતું હતું, લડાઈ પછી શું મળે છે, લડાઈ પછી કાપડ તૈયાર કરવાનો ખર્ચ વધ્યો છે તે ધ્યાનમાં લેતાં તેઓને મજુરોની વધારાની માગણી પોષાઈ શકે છે કે કેમ, વગેરે બધા પ્રશ્નોનો અતિશય સૂક્ષ્મ રીતે વિચાર કર્યો, અને જેટલે અંશે નિર્ણય પોતાથી લાવી શકાય તેટલે અંશે નિર્ણય લાવ્યા. નિશ્ચય કર્યો કે મજુરોએ ૩૫ ટકાથી વધારે માગવું જોઈએ નહિ, અને મજુરોને મર્યાદામાં રાખવાના હેતુથી તેઓને પણ તેવી સલાહ આપી દેવી જોઈએ. મજુરોને આ સલાહ આપ્યા પહેલાં ન્યાયની ખાતર મીલમાલિકોને પોતાના આ નિશ્ચયની ખબર આપવી જોઈએ, અને તેમને એ બાબતમાં શું કહેવાનું છે તે સાંભળવું જોઈએ એ યોગ્ય ધારી તેમને એ બાબત ખબર આપવામાં આવી તથા તેમના વિગતવાર અભિપ્રાયની અને તેમની મદદની વિનંતિ કરવામાં આવી. મદદ તો તેઓ આપી શકતા જ ન હતા એટલે તેઓએ સરકાર અને મુંબઈના મીલમાલિકો બહુ થોડો વધારે આપે છે એવી