પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦


જાય અથવા છેક નિષ્ફળ ન જાય તો પણ તેની સફળતામાં પણ કાંઈ અર્થ રહે નહિ, તેથી અનેક માર્ગે તેમના જીવનમાં પ્રવેશ કરવાનો નિશ્ચય થયો. આ માર્ગો નીચે પ્રમાણે:

(૧) મજુરોને ઘેર જઈ તેમની સમગ્ર સ્થિતિની પૂછપરછ કરી તેમની રહેણીકરણીમાં કાંઈ કસૂર જણાય તો તે સુધારવાના, તેમની ભીડમાં સલાહ અને મદદ આપવાના, અને બને તેટલે અંશે તેમના સુખદુઃખમાં ભાગીદાર બનવાના પ્રયત્ન કરવા;

(૨) લડતમાં પોતાના વર્તન સંબંધે મજુરોને કાંઈ સલાહ સૂચના લેવી હોય તો તે તેમને જ્યારે જોઈએ ત્યારે આપવાની વ્યવસ્થા કરવી;

(૩) નિત્ય તમામ મજુરોની એક નિશ્ચિત સ્થળે જાહેર સભા ભરીને લડતના સિદ્ધાન્તો અને રહસ્ય ઉપર તેમને બોધ આપવો;

(૪) આ સિદ્ધાન્તો અને રહસ્ય તેમનામાં સદાને માટે દૃઢીભૂત થઈ રહે, તેમને સાદું પણ ઉત્તમ પ્રતિનું સાહિત્ય પૂરૂં પડે અને તેમના મન અને બુદ્ધિની ઉન્નતિ થઈ, તે ઉન્નતિનાં સાધનો તેઓ પોતાનાં બાળબચ્ચાંને વારસામાં આપે તે ખાતર તેમને માટે નિત્ય સુબોધપત્રિકાઓ કાઢવી.

(૧) આ નિશ્ચય અનુસાર લડત દરમ્યાન દરરોજ સવાર સાંજ ભાઈ શંકરલાલ બૅંકર, અનસૂયા બ્હેન અને ભાઈ છગનલાલ ગાંધી મીલમજુરોના મુકામે જતાં, બને તેટલા લત્તાઓમાં મજુરો અને તેમના કુટુંબનાં માણસોનાં નામઠામ લઈ, કુટુંબના આવક ખર્ચ સંબંધી આંકડા મેળવી ભવિષ્યમાં તેમની સ્થિતિ સુધારવા માટે માહીતીનો પાયો