પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬


સમજાવીને એ કસમ છોડવાનું કહે તોપણ એ કસમ ન છોડવી; મક્કમપણે તમે કસમને વળગી રહેજો. તમને ભૂખે મરી જવું પડશે, તો પણ તમે કહેજો કે ખુદાને દરમ્યાન રાખીને અમે કસમ લીધા છે તે ગાંધીને ખાતર નથી લીધા, પણ ખુદાને ખાતર લીધા છે. તમે યકીન રાખીને કસમ પાળજો, લડત લડજો. હિંદુસ્તાન એમ જોશે કે મજુરો જમીનદોસ્ત થવાને તૈયારી ઉપર હતા, પણ કસમ મૂક્યા નહિ. તમે એ પત્રિકાઓ ગોખી રાખજો, અને તે કસમ સમજણપૂર્વક પાળજો. એમ ને એમ ગેાખી રાખ્યામાં કાંઇ માલ નથી. કુરાને શરીફ અને ગીતા ઘણાને પોપટીયારીતે માઢે હોય છે, ગીતા અને તુલસીદાસ પણ મોઢે હોય છે, પણ મોઢે કરવું બસ નથી. મોઢે કરીને તે પ્રમાણે વર્તશો તો ખાતરી રાખજો કે પાંત્રીસ ટકાના પોણી પાંત્રીસ ટકા આપનાર કોઈ નથી.”

સાતમા દિવસની પત્રિકામાં મજુરોએ પોતાના નવરાશનો વખત શી રીતે ગાળવો તેની ઉપર કેટલાક સામાન્ય પણ સચોટ ઉદ્‌ગારો છે. લડત વધુ લંબાશે, અને કેટલાકને ભૂખમરો વેઠવાનો પણ કદાચ વખત આવશે, તો તે વખતે તેમની પાસે તેમણે કદિ ન કરેલી એવી મજુરી પણ કરાવવી પડશે; તે કરવાને માટે તેઓમાં કોઈપણ પ્રકારના ધંધા માટે માન પેદા થવું જોઇએ એ વિચારથી એ ઉદ્‌ગારો નીકળેલા છેઃ “જે ધંધાની માણસમાં જીવનને સારૂ જરૂર છે, તે ધંધામાં નીચઉચ્ચપણાનો તફાવત હોય જ નહિ. તેમ જ આપણે જાણતા હોઈએ તે સિવાય બીજો ધંધો કરવામાં શરમ પણ ન હોય. અમે તે માનીએ છીએ