પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦


માલિકોની સ્થિતિનું વિવેચન કરવાનો પ્રારંભ કરે છે. આ અને આ પછીની કેટલીક પત્રિકાઓ કેવળ મજુરોને માટે જ નહિ પણ મીલમાલિકો માટે પણ પ્રયોજાયેલી છે. તેનો, હેતુ મીલમજુરોને જ માત્ર કેળવવાનો નહિ હોઈ, બની શકે તો મીલમાલિકોની પણ બુદ્ધિ ફેરવવાનો છે.

નોકર અને શેઠ વચ્ચેનો સંબંધ એકબીજાના સ્વાર્થ ઉપર બંધાયેલો હોવાને બદલે એક બીજાના સુખ ઉપર બંધાયેલો હોવો જોઇએ — આપલેના ધોરણ ઉપર ન બંધાયેલો હોઈ પરસ્પરની લાગણી ઉપર બંધાયેલો હોવો જોઈએ, એ વિચારો મહાત્માજીએ ઘણાં વર્ષો ઉપર ‘ઈન્ડિયન ઓપિનિયન’ માં રસ્કિનના Unto this Last પુસ્તક ઉપરથી લખેલા ‘સર્વોદય’ નામના લેખમાં પ્રગટ કરેલા. તે જ વિચારો કાળ જતાં વધારે પાકા થયેલા એટલે વધારે સરળ, સીધી અને જોરદાર ભાષામાં આ પત્રિકાઓમાં બતાવવામાં આવ્યા છે. નીચેના શબ્દોમાં રહેલો હૃદયસ્પર્શી અને વિવેકપૂર્ણ આગ્રહ કોને અસર કર્યા વિના રહી શકે ? “મજુરોની સામે માલિકોની એકત્રતા એ કીડીઓની સામે હાથીઓનું મંડળ ઉભું કર્યા બરાબર છે. ધર્મનો વિચાર કરતાં માલિકોએ મજુરોની સામે થતાં થરથરવું જોઇએ. મજુરોનો ભૂખમરો એ માલિકોનો લાગ છે, આવો ન્યાય હિંદુસ્તાનમાં પૂર્વે માણસોએ સ્વીકાર્યો હોય એમ જણાતું નથી. અમે તો નિશ્ચયપૂર્વક આશા રાખેલી છે કે આ ગરવી ગુજરાતની રાજધાનીના શ્રાવક અથવા વૈષ્ણવ ધર્મ સ્વીકારનારા માલિકો મજુરોને નમાવવામાં, તેઓને હઠપૂર્વક ઓછું આપવામાં, કદિ પોતાની જીત સમજશે નહિ.”