પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨


સાડા ચાર વાગ્યાથી બાવળના ઝાડ નીચે મજુરોની મેદની થતી હતી. લાંબે છેટેથી આવતાં તેઓને કંટાળા ન હતો. દરરોજ પ્રસિદ્ધ થતી પત્રિકા તેઓ ઉત્સાહથી વાંચતા અને પોતાના ન ભણેલા ભાઈઓને વાંચી સંભળાવતા. મહાત્માજી, અનસૂયા બહેન, ભાઈ બૅંકર વગેરે તેમના સલાહકારો દર સાંજે આવતા તેમને વધાવી લેતા; હજારોના ટોળામાંથી શાંતિપૂર્વક માર્ગ આપતા; મહાત્માજીના ભાષણ અને પત્રિકાવાચન વખતે અપૂર્વ શાંતિ જાળવતા અને ભાષણને અંતે પોતાનો નિશ્ચય એવી તો મનોહર રીતે દરરોજ પ્રગટ કરતા કે રોજ રોજ આ મેળાવડાઓ જોવા આવતાં બ્હારનાં માણસોની સંખ્યા વધતી ગઈ. એ મેળાવડા જે નાનાં મોટાંએ જોયા છે તેઓની સ્મૃતિમાંથી તે કદિ ખસનાર નથી. મોટે ભાગે અભણ મજૂરવર્ગમાંથી ચાલી રહેતો પ્રસંગોચિત છતાં રોજ રોજ નવી નવી ગઝલો અને દુહાઓનો પ્રવાહ માણસને આશ્ચર્યમાં લીન કરે એવો હતો. એમાંના ઘણાક, પ્રસંગને ઉદ્દેશીને બનાવેલાં ‘જોડકણાં’ હતાં એમ કોઈ કહેશે; પણ એ જોડકણાંમાં રહેલો ભાવ, આગ્રહ અને નિશ્ચય તથા કૃતજ્ઞતા વિષે તો બે મત થઈ શકે એમ નથી. આ ‘જોડકણાં’ માંનું એક આ લેખને મથાળે જ આપ્યું છે. મુસલમાન મજુરોના કેટલાકના લાગણીભર્યા ઉદ્‌ગારોની કાંઈ ઓછી અસર થઈ નહિ હોયઃ “ઐસા સંપ આયંદા ન કદિ હોગા, ન કદિ હુઆ થા. મહાત્મા ગાંધી ઐસે ઝાડ હૈ, જીનકી શાખેં સારે હિંદુસ્તાન મેં ફૈલી હુઈ હૈ. અપની પાબન્દી, અપની ઈજ્જત, અપની આનબાન પર કાયમ રહીએ. જહાં તક મુમકીન હો ઈત્તેફાક કભી તોડીએ મત;