પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩


તોડનેકા ખ્યાલ ભી મત લાઈએ. અપના ખેરખ્વાહ બને હૈ ઉનકી દામન કભી છોડના મત. અપને સરતાજ જો અપની હમદર્દી મેં શામિલ હૈ ઉનકે નામકો ધબ્બા ન લગના ચાહીએ. અપને સરતાજકી બગર કામ પર જાના નહિ. જો વે ફર્માવેં કિ મુફ્ત કામ પર જાના તો મુફ્ત જાના. અપની તો ક્યા ઈજ્જત ગઇ, અપને સરતાજ જિનોને અપની હમદર્દી પર કમ્મર–બન્ધી બાંધી હૈ ઉનકો માનના.” દિવસો જતાં મજુરોના કેટલાક ઉદ્‌ગારો તો પ્રચલિત થઈ ગયા, અને “અરે ડરો મત ગેબી મદદગાર હૈ યહાં,” “અગર મરે ભૂખે તો મરહી જાના જાનસે; લાઝિમ હૈ ન બદલે અપને ઈમાન સે” એવાં એવાં વચનો તો હજી લોકો નથી ભૂલ્યા. મજુરોના ઉદ્‌ગાર માત્ર એમ બતાવી આપતા હતા કે રસ્કિન જેને Roots of honour કહે છે, અને જેને ‘સર્વોદય’માં મહાત્મા ગાંધીજીએ ‘સાચનાં મૂળ’ કહ્યાં છે, તે સાચનાં મૂળ, આ ગરીબ વર્ગમાં બીજા વર્ગના કરતાં બહુ ઉંડાં છે.

અહીં પ્રસંગોપાત કહી લેવું જોઈએ કે આવી શાંત, રસભરી રીતે કામ ચાલી રહેલું હતું તેમાં પણ જાણે અજાણે સામા પક્ષને જરાએ માઠું ન લાગે એવું કાંઈ પણ ન બોલવામાં આવે કે કરવામાં આવે તેની મહાત્માજી બહુ કાળજી રાખતા. એક વાર એક શિઘ્ર કવિ મજુરે બહુ ઉત્સાહમાં આવી જઈ પોતાના દુહામાં મીલોના સંચાઓની હાંસી કરી, મીલમાલિકોની ખૂબ મજાક–કંઇક તિરસ્કારયુક્ત મજાક–કરી હતી, તેને મહાત્માજીએ આ પ્રમાણે કહ્યું હતું: