પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫


વાંચવા જનારા મીલમજુરોને આમ અનાયાસે ત્યાંના વીરોનું પિછાન કરાવી દેવામાં આવ્યું. એ વીરોનાં પરાક્રમનું એવી તો અસરકારક રીતે બયાન આપવામાં આવતું હતું કે વિચારવંત સાંભળનાર તેમનાં દૃષ્ટાંત કદિ નહિ ભૂલે. રબતસિંગ, કાછલીયા, અને વાલીયામા વિષે પત્રિકામાં લખ્યું છે તે ઉપરાંત વિવેચન કરતાં તેઓ બાલ્યા હતાઃ “આ ત્રણે જ્યારે જેલની અંદર ગયાં અને સરકારની સામે ઝઝૂમ્યાં ત્યારે તેમને પગાર લેવાનો ન હતો. આ ભાઈ બ્હેનોને કર નહોતો આપવાનો. કાછલીયા તો મોટા વેપારી હતા. તેમને કર નહોતો આપવો પડતો. રબતસિંહ કર આપવાના કાયદા પહેલાં આવ્યા હતા એટલે તેમને પણ કર નહોતો આપવાનો. વાલીયામા જે જગાએ રહેતી હતી ત્યાં એ કરનો કાયદો લાગુ પડ્યો નહોતો. છતાં ટેકની ખાતર એ લોકો સૌની સાથે ઝઝૂમ્યાં. તમારી તો સ્વાર્થની લડાઈ છે. એટલે તમારે તે ટકી રહેવું વધારે સ્હેલું છે. આ વિચાર તમને બળ આપો અને દૃઢ બનાવો.” તેરમા દિવસની પત્રિકામાં આ વીરોને જે આફત પડી હતી તેનું વધારે હૃદયવેધક વર્ણન આપ્યું હતું: “૨૦૦૦૦ મજુરો લગભગ ત્રણ માસ સુધી ઘરબાર વિના અને પગાર વિના રહેલા. ઘણાએ પોતાનો થોડોઘણો માલ હતો તે પણ વેચી નાંખેલો. પોતાનાં ઝૂંપડાં તજ્યાં, પોતાનાં ખાટલા, ગોદડાં, જાનવરો વેચી નાંખ્યાં, અને કુચ કરવા નીકળી પડ્યા. તેમાંના સેંકડોએ કેટલાક દિવસ સુધી વીસ વીસ માઇલની મજલ કીધી અને માત્ર પોણા શેર આટાની રોટલી અને અઢી રૂપીઆભાર ચીની ઉપર પોતાના દિવસો ગુજાર્યા. આમાં હિંદુ પણ હતા,