પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


જોયું ? તેમના જ શબ્દોમાં કહીશુંઃ ‘પોતાના મુખ ઉપર ઝળકી રહેલા અડગ આત્મનિશ્ચયવાળા હંમેશ નજરે પડતાં પાંચ દશ હજાર મનુષ્યોને બદલે નિરાશાથી ખિન્ન મુખવાળાં એકાદ હજાર માણસો મેં જોયાં.’ થોડા જ વખત ઉપર જુગલદાસની ચાલીવાળી વાત તો તેમના કાને આવી હતી. ‘મને લાગ્યું કે મજુરોનો ઠપકો સાચો છે. આ પત્ર લખું છું કે હું જેટલું માનું છું, તેટલું જ હું ઈશ્વરી સત્તામાં માનનારો, પોતાનાં વચનો ગમે તે ભોગે પણ પાળવાને માણસ બંધાયેલો છે એમ પણ હું માનનારો. મને એમ પણ ખબર હતી કે મારી સન્મુખ બેઠેલા માણસો ઈશ્વરથી ડરનારા છે, પણ આ અણધારી રીતે લંબાતી લૉક આઉટ તેઓનો હદ ઉપરાંત કસ કાઢે છે. હિંદુસ્તાનમાં મારી બહોળી મુસાફરી દરમીયાન સેંકડો લોકો એક ઘડી પ્રતિજ્ઞા લે છે અને બીજી જ ઘડીએ તેને તોડે છે, એવું જે જ્ઞાન થયેલું તે તરફ પણ મારું દુર્લક્ષ ન હતું. મને એમ પણ જ્ઞાન હતું કે આપણામાંના ભલભલાઓને આત્મબળમાં અને પ્રભુમાં માત્ર એક ઝાંખી ઝાંખી અને અનિશ્ચયાત્મક માન્યતા છે. મને એમ લાગ્યું કે મારે માટે એ તો એક ધન્ય ચોધડીઉં હતું, મારી શ્રદ્ધાની કસોટી થતી હતી, તુરત હું ઉઠ્યો અને હાજર રહેલા માણસોને કહી દીધું કે તમે પ્રતિજ્ઞામાંથી પડો એ ક્ષણભર પણ હું સાંખી શકનાર નથી. તમને ૩૫ ટકા મળે નહિ અથવા તો તમે બધાએ પડી ન જાઓ ત્યાં સુધી હું આહાર લેનાર નથી કે મોટર વાપરનાર નથી.’