પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪


દરખાસ્ત સમાધાનના આધારરૂપે રજુ થઈ. ત્રીજે જ દિવસે પંચ તકરારનો નિવેડો લાવી શકે નહિ, અને અમુક ટકા ચૂકવી શકે નહિ માટે તેમને તપાસ કરવા સારૂ પુરતી મુદત મળવી જોઈએ એમ સ્વીકારાયું, અને આ મુદત ત્રણ મહિનાની હોવી જોઇએ એમ પણ બંને પક્ષ વચ્ચે ઠર્યું. પંચનો ઠરાવ આવે તે પહેલાં મજુરોને કેટલા ટકા મળે? આ સવાલનો નિકાલ બંને પક્ષે ધરછોડથી આણ્યો. મજુરપક્ષે ૭ાા ટકા ઓછા કર્યા, માલિકપક્ષે ૭ાા ટકા વધાર્યા, અને એ વચગાળાના સમયમાં ૨૭ાા ટકા વધારો મળે એમ થયું. પંચ તરીકે, બંને પક્ષને અનુકૂળ એવા પ્રો. આનંદશંકરને કબૂલ રાખવામાં આવ્યા. આ તકરારમાં ઉપવાસની પ્રતિજ્ઞાના દિવસથી સક્રિય રસ લેનાર પ્રો. આનંદશંકરને માથે આ જવાબદારી વાજબી રીતે જ આવી પડી, અને એમણે પ્રસન્ન મને સ્વીકારી. હવે તો કાંઈ કરવાનું બાકી જ ન હતું. બીજે દિવસે સવારમાં તો મજુરોને ખબર પડી ગઈ હતી કે તકરારનો નિકાલ આવ્યો છે એટલે હજાર જણ શાહપુર દરવાજા ઉપરના ઝાડ નીચે આવી બેઠા હતા, અને નિકાલ શી રીતે આવ્યો એ જાણવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે કમિશનર સાહેબને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેમણે તે ખસુસ કરીને સ્વીકાર્યું હતું. શહેરનાં બીજાં ઘણાં પ્રતિષ્ઠિત સ્ત્રી પુરૂષો પણ હાજર હતાં. અગીયાર વાગે ગાંધીજીએ આવીને સમાધાનીની હકીકત મજુરોને સમજાવી. આ સમજુતી ગાંધીજીના શબ્દોમાં જ અહીં રજુ કરીશું. “જે સમાધાની હું તમારી આગળ મૂકવાનો છું તેમાં માત્ર મજુરાની ટેક રહી જાય છે એટલું જ છે, તેમાં તે સિવાય કંઈ જ નથી.