પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫


શેઠીયાઓને મેં મારાથી બને તેટલું કહ્યું, ૩૫ ટકા હમેશને માટે આપવાનું કહ્યું. એ વાત તેઓને બહુ ભારે લાગી. હવે એક વાત હું કહી દઉં. આપણી માગણી એકપક્ષી હતી. આપણે લડત પહેલાં એઓનો પક્ષ જાણવાની માગણી કરી હતી, પણ તેઓએ તે કબૂલ કરી ન હતી. હવે શેઠીયાઓ પંચની વાતને કબૂલ થાય છે. હું પણ કહું છું કે પંચને આ વાત ભલે સોંપાય. પંચની પાસેથી હું ૩૫ ટકા લઈ શકીશ. જો પંચ કાંઈક ઓછું ઠરાવશે તો હું સ્વીકારી લઇશ કે આપણે માગવામાં ભૂલ કરી છે. શેઠીયાઓએ કહ્યું કે જેવી તમારી પ્રતિજ્ઞા છે તેવી અમારી પણ પ્રતિજ્ઞા છે. મેં કહ્યું કે એવી પ્રતિજ્ઞા લેવાનો તમારે અધિકાર નથી. પણ તેઓએ આગ્રહ ધર્યો કે અમારી પ્રતિજ્ઞા પણ સાચી છે. બંનેની પ્રતિજ્ઞા મેં વિચારી. મારો રોજો વચ્ચે આડો આવ્યો. હું એમ એ લોકોને નહિ કહી શકું કે હું માગું તે જ આપશો તો હું મારા અપવાસ તોડું; આ તો મારી નામર્દી કહેવાય. આથી મેં કબૂલ્યું કે આપણી બંનેની પ્રતિજ્ઞા અત્યારે રહે અને પછી પંચ ઠરાવે તે ખરું. એટલે આપણી સમાધાની ટૂંકામાં એ કે પહેલે દિવસે આપણી પ્રતિજ્ઞા મુજબ ૩૫ ટકા વધારો મળે, બીજે દિવસે શેઠીયાઓની પ્રતિજ્ઞા મુજબ ૨૦ ટકા વધારો મળે, અને ત્રીજે દિવસથી તે પંચ પોતાનો નિવેડો આપે ત્યાં સુધી ૨૭ાા ટકા મળે; અને પછીથી પંચ ૩૫ ટકા ઠરાવે તો શેઠીયાઓ આપણને ૭ાા ટકા મજરે આપે અને ૨૭ાા ટકાથી ઓછા ઠરાવે તો આપણે મજરે આપીએ.’ આ શબ્દોને મજુરોએ ભારે હર્ષનાદથી વધાવી લીધા પણ તેઓને એકલી હરખની