પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯


પોતાના બળ ઉપર જ લડી શકે. વળી મજુરોને માલિકોએ પગાર ચુકવી દીધો. હવે તો મજુરો નવી નોકરી શરૂ કરે છે એમ પણ કહી શકાય. એટલે બધું વિચારતાં મજુરોએ લૉક આઉટ દરમીયાનને પગાર લેવાનો વિચાર માંડી વાળવો જોઇએ.” * [૧]

તે સાંજના ભાષણમાંના કેટલાક ઉદ્‌ગારો તો મીલમાલિકોના હૃદયને હલાવે એવા અને તેમની સ્મૃતિમાંથી કદિ ન ખસે એવા હતાઃ ‘હું તમારી તરફથી (મજુરો તરફથી) શેઠીયાઓની માફી માગું છું. મેં એઓને બહુ દુઃખ આપ્યું છે. મેં પ્રતિજ્ઞા લીધી તે તમારા માટે હતી, પણ દુનીયામાં હમેશ દરેક વસ્તુને બે પક્ષ રહેલ છે, તેમ મારી પ્રતિજ્ઞાની અસર તેમના ઉપર પણ થઈ છે. હું દીન વચને તેમની માફી માગું છું. હું જેટલો મજુરોનો સેવક છું તેટલો જ તમારો (શેઠીયાઓને) સેવક છું. મારી એટલી જ માગણી છે કે મારી સેવકાઈ તમે બરાબર વાપરજો.’

બીજે દિવસે ગાંધીજીની પ્રત્યે અને તેમની સાથે આ લડતમાં ભાગ લેનાર ભાઈ બ્હેનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા બતાવવા સારૂ મજુરોએ જે હર્ષસંમિલનો કર્યા હતાં અને હર્ષયાત્રા કાઢી હતી તેનું અત્રે સૂચન માત્ર જ શક્ય છે. આવાં દૃશ્યો અમદાવાદ શહેરમાં અગાઉ ભાગ્યે જ થયાં હશે એમ તે જોનારાઓ સાક્ષી પુરે છે.


  1. * મીલો ખુલ્યા પછી આ પગાર સંબંધે કેટલીક છુટીછવાઈ તકરાર થઈ હતી; તેને માટે મજુરો જેટલા જવાબદાર હતા તેટલા જ મીલમાલિકો જવાબદાર હતા.