પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧


લાવ્યો છું તે આપણી પ્રતિજ્ઞાનો અક્ષર પાળવા માટે બસ થશે, આત્મા માટે નહિ. આત્માવાળા આપણે હજી નથી એટલે અક્ષરથી જ આપણે સંતોષ પકડવો પડશે. પણ આથી વધારે ઉંડા અને આકરા આત્મનિરીક્ષણવાળા ઉદ્‌ગાર તો હજી બાકી છે. ઉપવાસ સબંધે કેટલાક ઉદ્દ્‌ગારો અગાઉ ટાંકવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ઉદ્‌ગારો ઉપવાસવ્રત અને સમાધાની એ બંને ઉપર અપરંપાર પ્રકાશ પાડે છે. સમાધાનીના દિવસના પ્રાતઃકાળે પોતાના આશ્રમવાસીઓ સમક્ષ એ ઉદ્‌ગાર નીકળ્યા હતા, અને ગાંધીજીની પરવાનગીથી, એ અહીં ઉતારવામાં આવે છે. ‘આજે દશ વાગ્યા પહેલાં સમાધાન ઘણું કરીને થઇ જશે. એ સમાધાન મારી પ્રમાદરહિત સ્થિતિમાં હું જોઈ રહ્યો છું, અને જોઉં છું કે હું તે કદિ નહિ સ્વીકારૂં એવું થયું છે. પરંતુ તેમાં મારી ઉપવાસની પ્રતિજ્ઞાનો દોષ છે. મારી એ પ્રતિજ્ઞામાં ઘણા દોષ રહેલા છે. ઘણા દોષો એટલે ગુણ થોડા અને દોષ વધારે એમ નહિ; પણ જેમ તે અત્યંત ગુણોથી ભરેલી છે તેમ તેમાં દોષો પણ ઘણા છે. મજુરોના સબંધમાં તે ભારે ગુણોવાળી છે, અને તેનાં પરિણામ તે જ પ્રમાણે સુંદર આવ્યાં છે. માલિકોના સબંધમાં તે દોષોવાળી છે, અને તેટલા પુરતું મારે નમવું પડ્યું છે. મીલમાલિકોના ઉપર મારા ઉપવાસનું દબાણ છે તે હું ગમે તેટલી ના પાડું પણ લોકોને લાગ્યા વિના રહે જ નહિ, અને દુનીયા માને પણ નહિ. માલિકો, આ મારી કનિષ્ટ દશાને લીધે સ્વતંત્ર રહ્યા નથી, અને કોઈ માણસ દબાણની નીચે