પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



મજુરોની પ્રતિજ્ઞા વિષે આપણે લખ્યું; તે પ્રતિજ્ઞા કેમ પાળી શકાય એ વિચાર્યું. લૉક-આઉટ દરમીયાન મજુરોએ પોતાના દિવસ કેમ ગુજારવા તેનો વિચાર આજે કરવાનો છે.

આપણામાં કહેવત છે કે નવરો બેઠો નખોદ વાળે, એટલે દસ હજાર માણસો અમદાવાદમાં નવરા બેસી રહે એ સારૂં ગણાય જ નહિ. જેણે હમેશાં આખો દહાડો કામ કરેલું છે તે માણસ એકદમ કામ વિનાનો થઈ જાય તો તેને એ બહુ ભારે પડી જાય છે. તેથી આજનો આપણો વિષય એ આપણે ધારેલું મેળવવાને સારૂ ઘણો જ અગત્યનો છે. દિવસ કેમ ગુજારવો તેને વિચાર કરતાં પ્રથમ તો આપણે મજુરોએ શું ન કરવું એ કહી જવું જરૂરનું છે.

૧ જુગાર રમવામાં વખત ન ગુમાવવો.
૨ દિવસના ઉંધવામાં વખત નહિ ગાળવો.
૩ આખો દહાડો માલિકોની અને લૉક-આઉટની વાતો જ કર્યા કરવામાં વખત નહિ ગાળવો.
૪ ઘણા માણસોને ચ્હાની દુકાનોમાં જઈ ત્યાં નકામાં ટાહેલાં કરવાની અને વગરજરૂરનું ખાવાપીવાની આદત પડી જાય છે. મજુરોએ આવા ચ્હાખાનાં વગેરેનો તદ્દન ત્યાગ કરવો.
૫ મજુરોએ લૉક–આઉટ ચાલુ છે ત્યાં સુધી મીલોમાં ન જવું.