પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬


હિંદુસ્તાનમાં એક ધંધો કરનારો બીજા ધંધામાં રોકાવું હલકું ગણે છે; વળી કેટલાક ધંધા જાતે જ હલકા ગણવામાં આવે છે. આ બન્ને વિચારો ભૂલ ભરેલા છે. જે ધંધાની માણસના જીવનને સારૂ જરૂર છે તે ધંધામાં નીચઉચ્ચપણાનો તફાવત હોય જ નહિ. તેમજ આપણે જાણતા હોઇએ તે સિવાય બીજો ધંધો કરવામાં શરમ પણ ન હોય. અમે તો માનીએ છીએ કે કપડાં વણવાં અને પથ્થર ફોડવા અથવા લાકડાં વ્હેરવાં કે ફાડવાં, કે ખેતરમાં મજુરી કરવી એ બધા જરૂરના અને માન આપવા લાયક ધંધા છે. એટલે એવી ઉમેદ રાખવામાં આવે છે કે મજુરો નવરા બેસીવખત ગુમાવવાને બદલે ઉપર બતાવ્યા પ્રમાણે કંઈક સારા કામની અંદર રોકાઈ પોતાનો વખત ગુજારશે.

મજુરોએ શું કરવું એ વિચાર્યા પછી અમારી પાસેથી મજુરોએ શી આશા રાખવી એ કહી જવું જરૂરનું છે. તેનો વિચાર હવે પછીની પત્રિકામાં કરીશું.