પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



મજુરોની પ્રતિજ્ઞા કેમ પળાય, લૉક-આઉટ દરમીયાન મજુરોએ શું કરવું, એ આપણે વિચાર્યું. અમે શી મદદ કરીશું એ આ અંકમાં જણાવવાનુ રહ્યું છે. અમારી પ્રતિજ્ઞા જાણવાનો મજુરોને હક છે. તે જણાવવી એ અમારી ફરજ છે.

અમારાથી શું નહિ થઈ શકે એ પહેલું વિચારી લઈએ:

૧ અમે મજુરોને કંઇ પણ ખોટામાં મદદ નહિ કરીએ.

૨ મજુરો ખોટું કરે કે વધારેપડતું માગે, કંઇ પણ તોફાન કરે, તો અમારે તેમનો ત્યાગ કરવો જોઇએ અને અમારી મદદ બંધ થાય.

૩ અમે માલિકોનુ બુરૂં કદિ ઈચ્છી ન શકીએ; અને અમારા દરેક કાર્યમાં તેઓના હિતનો વિચાર રહે જ છે. માલિકોનું હિત જાળવીને અમે મજુરોનું હિત સાધીએ.

હવે અમે શું કરશું તે વિચારીએ:—

૧ મજુરોએ જેવી સરસ વર્તણુક આજ લગી ચલાવી છે તેવી ચલાવતા રહે ત્યાં સુધી અમે તેઓની સાથે જ છીએ.

૨ તેઓના ૩૫ ટકા મેળવવા અમારાથી જે બને તે અમે કરવાના છીએ.

૩ અમે હજુ તો માલિકોને વીનવીએ છીએ. આમની લાગણી ખેંચવા, પ્રજામત કેળવવા, હજુ અમે પ્રયત્ન નથી કર્યો. પણ સમય આવ્યે અમે મજુરોની સ્થિતિ આખા હિંદુસ્તાનને જણાવવા તૈયાર છીએ અને અમારી ઉમેદ છે કે જાહેર લાગણી આપણી તરફ ખેંચી શકીશું.