પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦

માગણી સ્વીકાર્યાથી તેએના સલાહકારોની અસર તેઓની ઉપર વધશે. જો સલાહકારોની દલીલ સાચી હશે, તેઓ મહેનતુ હશે, તો મજુરો હારે કે જીતે છતાં સલાહકારોને તો તેઓ છોડવાના નથી; અને વધારે ધ્યાનમાં રાખવા જેવું તો એ છે કે સલાહકારો મજુરાનો ત્યાગ કરવાના નથી. જેઓએ સેવાધર્મ સ્વીકાર્યો છે તેઓ તે ધર્મ સામાની ઇતરાજી થતાં પણ છોડવાના નથી. જેમ તે નિરાશ થશે તેમ સેવામાં વધારે પરાયણ થશે. એટલે ગમે તે પ્રયાસો કરે તો પણ માલિકો સલાહકારોને મજુરોના સહવાસમાંથી દૂર નહિ કરી શકે. ત્યારે મજુરોને હરાવે તો તેઓને શું મળે ? જવાબ તો એ જ આવે છે કે મજુરોના અસંતોષ વિના બીજું ન મળે. દબાયલા મજુરો તરફ માલિકો હમેશાં શંકાની નજરે જોશે.

મજુરોને માગ્યો વધારો આપે તો માલિકો મજુરોને સંતેાષશે. મજુરો પોતાની ફરજ ચૂકે તો માલિકો હમેશાં સલાહકારોની મદદ મેળવી શકે, અને હાલ બંનેને થતી નુકસાની અટકાવે. મજુરો સંતોષ મળવાથી હમેશાંનો પાડ માનશે, અને માલિકો તથા મજુરો વચ્ચે પ્રેમભાવ વધશે. આમ મજુરોની સફળતામાં જ માલિકોની સફળતા છે, અને મજુરોની હારમાં માલિકોની પણ હાર છે. આ શુદ્ધ ન્યાયને બદલે માલિકોએ પશ્ચિમનો અથવા આધુનિક રાક્ષસી ન્યાય સ્વીકાર્યો છે.

આ ન્યાય કેવો છે તેનો વિચાર આવતા અંકમાં કરીશું.