પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯


એ જ લડતમાં કોમની ટેકને સારૂ જેલમાં ગઇ. ગઇ ત્યારે તાવથી પીડાતી હતી. જેલની અંદર તાવ વધ્યો. જેલરે જેલ છોડવાનું સૂચવ્યું. વાલીયામાએ જેલ છોડવાની ના પાડી, અને દૃઢતાપૂર્વક જેલ પૂરી કરી. જેલમાંથી નીકળીને ચોથે કે પાંચમે દિવસે મરણ પામી.

આ ત્રણેનો શુદ્ધ સત્યાગ્રહ હતો. ત્રણેએ દુઃખો સહન કરી, જેલમાં પણ જઈ પોતાની ટેક પાળી. આપણી ઉપર આવું કશુંયે વાદળ નથી. આપણે કસમ પાળવામાં ભારેમાં ભારે દુઃખ તો એ જ સહન કરવાનું રહ્યું છે કે આપણી કંઇક મોજમજા ઓછી કરવી અને આપણને આજ સુધી મળતા આવ્યા છે તે પગાર વિના સુખેદુઃખે રહેવું. એ કંઈ ભારે વાત નથી. જે કામ આ જમાનામાં આપણા જ ભાઇઓ અને બ્હેનો કરી શક્યાં તેના જેવું કંઇક આપણને કરવું મુશ્કેલ ન હોવું જોઇએ.

આ વિષયનો થોડો વધારે વિચાર આવતા અંકમાં કરીશું.