પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૩

એવી અફવા આવેલી છે કે ઘણા મજુરો કામ ઉપર ચઢવાને તૈયાર છે, પણ બીજાઓ તેઓને જોરજુલમ કરીને મારની બીક આપીને રાકી રાખે છે. અમારી પ્રતિજ્ઞા દરેક મજુરોએ યાદ રાખવાની જરૂર છે કે જો મજુરો બીજાઓની ઉપર દાબ મૂકી ધમકાવીને કામે જતાં અટકાવે તો અમારાથી મદદ ન થઈ શકે. આ લડતમાં જે પોતાની ટેક રાખશે તે જ જીત્યો છે. કોઈની પાસે ટેક પરાણે નથી રખાવી શકાતી. એ વસ્તુ જ એવી છે કે જે પરાણે ન થઈ શકે. ટેક રાખીને આપણે આગળ વધવા માગીએ છીએ. બીકનો માર્યો જે માણસ કાંઈ કામ ન કરે તે માણસ શાની ઉપર આગળ વધી શકે ? તેની પાસે કંઇ રહ્યું જ નથી. એટલે દરેક મજુરે યાદ રાખવાની જરૂર છે કે કોઇપણ બીજા મજુરની ઉપર કોઇ પ્રકારનું દબાણ કરવું જ નહિ. જો દબાણ કરવામાં આવે તે આખી લડત નબળી પડી જઈને તુટી જવાનો સંભવ છે. મજુરોની લડતનો આધાર કેવળ તેઓની માગણીના અને તેઓના કાર્યના ન્યાયની ઉપર રહેલો છે. જો માગણી ગેરવાજબી હોય તો મજુરો જીતી ન શકે. માગણી વાજબી હોય પણ માગેલું મેળવવામાં અન્યાય વાપરે, જુઠું બોલે, ફીસાદ કરે, બીજાઓને દબાવે, આળસ કરે અને તેથી સંકટ ભોગવે તોપણ તે હારી જાય. કોઇની ઉપર દાબ ન મૂકવો અને પોતાના ભરણપોષણ જોગી મજુરી કરવી, એ આ લડતની અંદર ઘણી જ જરૂરી વસ્તુ છે.