પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞવાળા એવા મને જેમણે ઓળખ્યો છે તે સમત્વને પામેલા લોકો મરણસમયે પણ મને ઓળખે છે. ૩૦.

નોંધ: અધિભૂતાદિનો અર્થ આઠમા અધ્યાયમાં આવે છે.

આ શ્લોકનો મતલબ એ છે કે આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કંઈ જ નથી ને બધાં કર્મનો કર્તા-ભોક્તા તે છે એમ સમજી જે મરણસમયે શાંત રહી ઈશ્વરમાં જ તન્મય રહે છે અને કશી વાસના તે સમયે જેને નથી હોતી તેણે ઈશ્વરને ઓળખ્યો છે ને તે મોક્ષ પામ્યો છે.

ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે, તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રી કૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-વિજ્ઞાન-યોગ' નામનો સાતમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

૮૪