પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. તે શિક્ષણ પ્રમાણે તો જે ભક્તિભીનો છે, જે સેવામાર્ગ સેવે છે ને જેને જ્ઞાન થયું છે તે ગમે ત્યારે મરે તોપણ તેને મોક્ષ જ છે. તે શિક્ષણથી આ શ્લોકોનો શબ્દાર્થ વિરોધી છે.

તેમનો ભાવાર્થ એ નીકળે ખરો કે જે યજ્ઞ કરે છે એટલે પરોપકારમાં જ જે જીવન વ્યતીત કરે છે, જેને જ્ઞાન થયું છે, જે બ્રહ્મવિદ એટલે જ્ઞાની છે, તે મરણસમયે પણ જો તેની એવી સ્થિતિ હોય તો, મોક્ષ પામે છે. એથી ઊલટું જે યજ્ઞ નથી કરતો, જેને જ્ઞાન નથી, જે ભક્તિ નથી જાણતો તે ચંદ્રલોકમાં એટલે ક્ષણિક લોકને પામીને પાછો ભવચક્રમાં ફરે છે. ચંદ્રને પોતાનો જ્યોતિ નથી[૧].

જગતમાં પ્રકાશનો અને અંધારાનો, એટલે કે જ્ઞાનનો અને અજ્ઞાનનો એવા બે પરાપૂર્વથી ચાલતા આવેલા હંમેશના માર્ગ મનાયા છે. તેમાંના એક એટલે જ્ઞાનને માર્ગે મનુષ્ય મોક્ષે પહોંચે છે; અને બીજા એટલે અજ્ઞાનમાર્ગે તે ફરી ફરી પુનર્જન્મ પામે છે. 2૬.

હે પાર્થ ! આ બે માર્ગ જાણનારો કોઈપણ યોગી મોહમાં પડતો નથી. તેથી હે અર્જુન ! બધે

  1. ઉત્તરાયણ અને શુક્લપક્ષ એ નિષ્કામ સેવામાર્ગ. અને દક્ષિણાયન અને કૃષ્ણપક્ષ તે સ્વાર્થમાર્ગે બંધન. સેવામાર્ગ તે જ્ઞાનમાર્ગ. સ્વાર્થમાર્ગ તે અજ્ઞાનમાર્ગ. જ્ઞાનમાર્ગે ચાલનારને મોક્ષ. અજ્ઞાનમાર્ગે ચાલનારને બંધન. આ બે માર્ગને જાણ્યા પછી મોહમાં રહી અજ્ઞાનમાર્ગને કોણ પસંદ કરશે ? આટલું જાણ્યા પછી મનુષ્યમાત્રે બધાં પુણ્યફળ છોડી, અનાસક્ત રહી, કર્તવ્યમાં જ પરાયણ રહી ઉત્તમસ્થાન મેળવવાનો જ પ્રયત્ન કરવો ઘટે છે.
૯૧