પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં જ મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્યું છે. મારામાં-મારે આધારે-સર્વ પ્રાણી છે; હું તેમને આધારે નથી. ૪.

છતાં પ્રાણીઓ મારામાં નથી એમ પણ કહેવાય. એ મારું યોગબળ તું જો. હું જીવોનું ભરણ કરનારો છું; છતાં હું તેમનામાં નથી. પણ હું તેમની ઉત્પત્તિનું કારણ છું. ૫.

નોંધ : મારામાં સર્વ જીવ છે અને નથી. તેમનામાં હું છું અને નથી. આ છે ઈશ્વરનું યોગબળ, તેની માયા, તેનો ચમત્કાર. ઈશ્વરનું વર્ણન ભગવાનને પણ મનુષ્યની ભાષામાં જ કરવું રહ્યું, એટલે અનેક પ્રકારના ભાષાપ્રયોગ કરીને તેને સંતોષે છે. બધું ઈશ્વરમય છે, તેથી બધું તેનામાં છે. તે અલિપ્ત છે, પ્રાકૃત કર્તા નથી, તેથી તેનામાં જીવો નથી એમ કહી શકાય. પણ જેઓ તેના ભક્ત છે તેનામાં તે છે જ. જે નાસ્તિક છે તેનામાં તેની દૃષ્ટિએ તો તે નથી. અને આ તેનો ચમત્કાર જ નહીં તો તેને શું કહીએ ?

જેમ બધે ઠેકાણે વિચરતો મહાન વાયુ નિત્ય આકાશને વિશે રહેલો છે જ, તેમ બધાં પ્રાણી મારે

૯૪