પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓ દેહમાં રહેલા અંતર્યામીને ઓળખતા નથી અને તેની હસ્તીનો ઈનકાર કરી જડવાદી રહે છે.

મોહ ઉપજાવનારી એવી રાક્ષસી કે આસુરી પ્રકૃતિનો આશ્રય લઈને રહેલા, અવળી બુદ્ધિવાળા એ લોકોની આશાઓ, એમનાં કર્મો તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે. ૧૨.

એથી ઊલટું, હે પાર્થ ! ભૂતમાત્રના આદિકારણ એવા અવિનાશી મને જાણીને મહાત્માઓ દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ એકનિષ્ઠાથી મને ભજે છે. ૧૩.

દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરનારા તેઓ નિરંતર મારું કીર્તન કરે છે, મને ભક્તિપૂર્વક નમન કરે છે, અને નિત્ય ધ્યાન ધરતા મારી ઉપાસના કરે છે. ૧૪.

વળી બીજા અદ્વેતરૂપ્ર કે દ્વેતરૂપે કે બહુરૂપે બધે રહેલા મને જ્ઞાનયજ્ઞ વડે ઉપાસે છે. ૧૫.

[એવા] યજ્ઞનો સંકલ્પ હું છું, યજ્ઞ હું છું, યજ્ઞ દ્વારા પિતરોનો આધાર હું છું, યજ્ઞની વનસ્પતિ હું છું,મંત્ર હું છું, ઘીની આહુતિ હું છું, અગ્નિ હું છું અને હવનદ્રવ્ય પણ હું છું. ૧૬.

આ જગતનો પિતા હું, માતા હું, ધારણ કરનાર હું, પિતામહ હું, જાણવાયોગ્ય પવિત્ર હું, ૐકાર હું, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ૧૭.

(બધાનું) છેવટનું સ્થાન હું, પોષક હું, પ્રભુ હું, સાક્ષી હું, નિવાસ હું, આશ્રય હું, હિતેચ્છુ હું, ઉત્પત્તિ હું, સ્થિતિ હું, ભંડાર હું અને અવ્યય બીજ પણ હું છું. ૧૮.

તડકો હું આપું છું, વરસાદને હું જ રોકી રાખું છું કે પડવા દઉં છું. અમરતા હું છું, મૃત્યુ હું છું અને હે અર્જુન ! સત અને અસત પણ હું જ છું. ૧૯.

૨૯

ત્રણ વેદનાં કર્મો કરીને, સોમરસ પીને પાપરહિત થયેલા જનો યજ્ઞ વડે મને પૂજીને સ્વર્ગલોક માગે છે. અને પુણ્યથી મળતા ઈન્દ્રલોકને પામીને તેઓ સ્વર્ગમાં દિવ્ય ભોગ ભોગવે છે. ૨૦.

નોંધ : વૈદિક ક્રિયાઓ બધી ફલપ્રાપ્તિને સારુ થતી હતી અને તેમાંની કેટલીકને અંગે સોમપાન થતું તેનો અહીં ઉલ્લેખ છે. એ ક્રિયાઓ શી હતી, સોમરસ શું હતો તે આજ વસ્તુતાએ કોઈ ન કહી શકે.

એ વિશાળ સ્વર્ગલોકને ભોગવ્યા બાદ પુણ્ય ક્ષીણ થતાં તેઓ મૃત્યુલોકમાં પાછા પ્રવેશ કરે છે. આમ ત્રણ વેદનાં કર્મ કરનારા, ફળના લોભીઓને જ્ન્મમરણના ફેરા ફરવા પડે છે. ૨૧.

જે લોકો અનન્યભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. ૬.

નોંધ : આમ યોગીને ઓળખવાની ત્રણ સુંદર નિશાનીઓ છે-સમત્વ, કર્મમાં કૌશલ, અનન્યભક્તિ. આ ત્રણે એકબીજામાં ઓતપ્રોત હોવાં જોઈએ. ભક્તિ વિના સમત્વ ન મળે, સમત્વ વિના ભક્તિ ન મળે, અને કર્મ-કૌશલ વિના ભક્તિ અને સમત્વ આભાસમાત્ર હોવાનો ભય રહે છે.

યોગક્ષેમ શબ્દમાં યોગ એટલે ન મળેલી વસ્તુ મેળવવી તે અને ક્ષેમ એટલે મળેલી સાચવી રાખવી તે.

૯૬