પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળી હે કૌન્તેય ! જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવોને ભજે છે તેઓ પણ, ભલે વિધિ વિના છતાં, મને જ ભજે છે. ૨૩.

નોંધ : વિધિ વિના એટલે અજ્ઞાનમાં અને એક નિરંજન નિરાકારને ન જાણીને.

હું જ બધા યજ્ઞનો ભોગવનારો સ્વામી છું. પણ આમ મને તેઓ સાચે સ્વરૂપે નથી ઓળખતા તેથી તેઓ પડે છે. ૨૪.

દેવતાઓનું પૂજન કરનાર દેવલોકને પામે છે, પિતરોનું પૂજન કરનારા પિતૃલોકને પામે છે, ભૂતપ્રેતાદિને પૂજનારા ભૂતગણોના લોકોને પામે છે, અને મને ભજનારા મને પામે છે. ૨૫.

૩૦

પત્ર, ફૂલ, ફળ કે જળ જે કાંઈ મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તે શુદ્ધ હૃદય મનુષ્યે ભક્તિપૂર્વક અર્પણ કરેલાનું હું સેવન કરું છું. ૨૬. નોંધ : એટલે કે ઈશ્વરપ્રીત્યર્થે જે કંઈ સેવાભાવથી પ્રાણીઓને અપાય છે તેનો સ્વીકાર તે તે પ્રાણીને વિશે રહેલ અંતર્યામીરૂપે ભગવાન જ કરે છે.

૯૭