પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિભૂતિઓ તને કહીશ.પણ હે કુરુશ્રેષ્ઠ ! મારા વિસ્તારનો અંત તો છે જ નહીં. ૧૯.

હે ગુડાકેશ ! હું બધાં પ્રાણીઓના હૃદયને વિશે રહેલો આત્મા છું. હું જ ભૂતમાત્રનો આદિ, મધ્ય અને અંત છું. ૨૦.

આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિઓમાં ઝગઝગતો સૂર્ય હું છું; વાયુઓમાં મરીચિ હું છું, નક્ષત્રો વચ્ચે હું ચન્દ્ર છું. ૨૧.

વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં હું મન છું, અને પ્રાણીઓનું ચેતન પણ હું છું. ૨૨.

રુદ્રોમાં શંકર હું છું, યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું, વસુઓમાં અગ્નિ હું છું, પર્વતોમાં હું મેરુ છું. ૨૩.

હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ. સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું, અને સરોવરોમાં હું સાગર છું. ૨૪.

૧૦૪