પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાકાર-પૂજાનાં લક્ષણ છે. આમ છતાં સાકારની પેલી પાર નિરાકાર અચિંત્ય સ્વરૂપ છે એમ તો બધાએ સમજ્યે જ છૂટકો. ભક્તિની પરાકાષ્ઠા એ કે ભક્ત ભગવાનમાં શમી જાય ને છેવટે કેવળ એક અદ્વિતીય, અરૂપી ભગવાન જ રહે. પણ આ સ્થિતિને સાકારની મારફતે સહેલાઈથી પહોંચાય. તેથી નિરાકારને સીધા પહોંચવાનો માર્ગ કષ્ટસાધ્ય કહ્યો.

પણ, હે પાર્થ ! જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી, એકનિષ્ઠાથી મારું ધ્યાન ધરતા મને ઉપાસે છે અને મારામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમાંથી હું ઝટ તારી લઉં છું. ૬-૭.

તારું મન મારામાં રાખ, તારી બુદ્ધિ મારામાં પરોવ, એટલે આ ભવ પછી નિઃસંશય મને જ પામીશ. ૮.

હવે જો તું મારે વિશે તારું મન સ્થિર કરવા અસમર્થ હોય તો હે ધનંજય ! અભ્યાસયોગ વડે મને પામવાની ઇચ્છા રાખ. ૯.

૧૨૪