પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમ જેનામાંથી કર્તાપણારૂપી અહંભાવ નાશ પામ્યો છે અને જે અંતર્યામીને ચોવીસે કલાક ઓળખી રહ્યો છે તે પાપકર્મ નહીં જ કરે. પાપનું મૂળ જ અભિમાન છે. 'હું' મટ્યો ત્યાં પાપ સંભવે નહી. આ શ્લોક પાપકર્મ ન કરવાની યુક્તિ બતાવે છે.

કોઈ ધ્યાનમાર્ગથી આત્મા વડે આત્માને પોતાને વિશે જુએ છે. કેટલાક જ્ઞાનમાર્ગથી. જ્યારે બીજા કેટલાક કર્મમાર્ગથી. ૨૪.

વળી કોઈ આ માર્ગોને ન ઓળખતા બીજાઓની પાસેથી પરમાત્માને વિશે સાંભળીને, સાંભળેલા ઉપર શ્રધ્ધા રાખી, તેમાં પરાયણ રહી ઉપાસના કરે છે ને તેઓ પણ મ્રુત્યુયુક્ત સંસારને ઓળંગી જાય છે. ૨૫.

૪૧

જે કંઈ વસ્તુ ચર અથવા અચર ઉત્પન્ન થાય છે તે હે ભરતર્ષભ! ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના, એટલે કે પ્રકૃતિ-પુરુષના સંયોગથી થાય છે એમ જાણ. ૨૬.

અવિનાશી પરમેશ્વરને સર્વ નાશવંત પ્રાણીઓને વિશે સમભાવે રહેલો જે જાણે છે તે જ તેને ઓળખે છે. ૨૭.

૧૩૪