પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મનુષ્ય ઈશ્વરને સર્વત્ર સમભાવે રહેલો જુએ છે તે પોતે પોતાનો ઘાત કરતો નથી ને પરમગતિને પામે છે. ૨૮.

નોંધઃ સમભાવે રહેલા ઈશ્વરને જોનારો પોતે તેમાં શમી જાય છે ને બીજું કશું જોતો નથી. તેથી વિકારવશ થતો નથી; પરિણામે મોક્ષ પામે છે. પોતાનો શત્રુ નથી બનતો.

બધેય પ્રકૃતિ જ કર્મો કરે છે એમ જે સમજે છે અને તેથી આત્માને અકર્તારૂપે જાણે છે તે જ ખરો જાણકાર છે.૨૯.

નોંધઃ જેમ ઊંંઘતા મનુષ્યનો આત્મા ઊંઘનો કર્તા નથી, પણ પ્રકૃતિ નિદ્રાનું કર્મ કરે છે તેમ. નિર્વિકાર પુરુષની આંખ કશું મેલું નહીં જુએ. પ્રકૃતિ પોતે વ્યભિચારિણી નથી. અભિમાની પુરુષ જ્યારે તેનો સ્વામી બને છે ત્યારે તે મેળાપમાંથી વિષયવિકાર ઉત્પન્ન થાય છે.

જ્યારે તે (જાણકાર) જીવોની હસ્તી નોખી છતાં એકમાં જ રહેલી જુએ છે અને બધો વિસ્તાર તે (એક)માંથી થયેલો સમજે છે ત્યારે તે બ્રહ્મને પામે છે.૩૦.

નોંધઃ અનુભવે બધું બ્રહ્મમાં જ જોયું તે જ બ્ર્હ્મને પામવું છે. ત્યારે જીવ શિવથી નોખો નથી રહેતો.

૧૩૫